- ગત વર્ષની સરખામણીએ જિલ્લામાં ચાલુ વર્ષે ઓછો વરસાદ
- ખેડૂતો દ્વારા કરવામાં આવેલ વાવેતર નિષ્ફળ જવાની શક્યતા
- આગમી દિવસમાં વરસાદ નહીં આવે તો પાકમાં થશે નુકસાન
કચ્છ: જિલ્લામાં છેલ્લાં 15 દિવસોથી એક પણ તાલુકામાં વરસાદ થયો નથી. ગત વર્ષે ચોમાસામાં 6.80 લાખ હેક્ટરમાં વાવેતર થયુ છે. જ્યારે ચાલુ વર્ષે 4.17 લાખ હેક્ટરમાં વાવેતર થયુ હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું. ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં થયેલા વિવિધ પાકોનાં વાવેતર અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીએ માહિતી આપી હતી.
જુદાં જુદાં પાકો અને શાકભાજીનું થયું વાવેતર
કચ્છ જિલ્લામાં જુદાં જુદાં પાક વાવેતરની વાત કરવામાં આવે તો 85000 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે. 52000 હેક્ટરમાં કપાસના પાકનું વાવેતર થયેલું છે. 78000 હેક્ટરમાં દિવેલાનું વાવેતર થયેલું છે. 30000 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયેલું છે. 48000 હેક્ટરમાં મગનું વાવેતર થયેલું છે. 20000 હેક્ટરમાં બાજરીનું વાવેતર થયેલું છે. તેમજ 7300 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર થયેલું છે.
આગમી દિવસમાં વરસાદ નહીં આવે તો પાકમાં થશે નુકસાન
હાલના ધોરણે પાકની પરિસ્થિતિ પ્રમાણમાં બરાબર છે પરંતુ આગામી દિવસોમાં જો વરસાદ નહીં આવે તો પાકને નુકશાન થઇ શકે છે. ઉપરાંત મગ, તલ અને બાજરી જેવા પાકોમાં હવે પછીના દિવસોમાં વરસાદ નહીં થાય તો પાકના ઉત્પાદનમાં તથા પાકના વિકાસ પર ખુબ અસર થશે.
જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને કરાઈ વિનંતી
ખેડૂતોને આ પરિસ્થિતિમાં જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા વિનંતી કરવામાં આવી હતી કે, ખેડૂતોએ જે પાકોનું વાવેતર કર્યું છે તેમાં આંતરખેડ એટલે કે, બે હાર વચ્ચે ખેડ કરી નાખે તથા કે નિંદામણ જે છે તેને પણ કાઢી નાખે જેથી કરીને અગાઉ થયેલા વરસાદના પાણીનું ભેજ છે તે હાલની પરિસ્થિતિએ પાકને ઉપયોગી નીવડે અને પાકોને વધારે 5 થી 6 દિવસનું સર્વાઇવલ મળી શકે.
આ પણ વાંચો: નખત્રાણાની બજાર જળબંબાકાર, વરસાદથી રાજ્ય ધોરીમાર્ગ થયો બંધ
જાણો શું કહ્યું ખેતીવાડી અધિકારીએ?
સામાન્ય રીતે વરસાદ ખેંચાય તો બીનપિયત પાકો છે તેને વધારે અસર થઈ શકે છે જેવા કે મગ, તલ, બાજરી જેવા પાકો જેની ગણતરી મહદઅંશે બીનપિયત પાકોમાં થાય છે. મગફળી અને કપાસ જેવા પાક મોટાભાગે જે ખેડૂત પાસે પિયતની વ્યવસ્થા હોય છે તેઓ કરતા હોય છે.