આ વર્ષે મેઘરાજા એ કેર વર્તાવ્યો હતો અને વાગડ વિસ્તારમાં ચોમાસા દરમિયાન કરવામાં આવેલો વાવેતર 70 ટકા નિષ્ફળ રહ્યો હતો. જોકે 39 ગામના પાદરમાંથી નર્મદા યોજનાની કચ્છ બ્રાન્ચ કેનાલ પસાર થતા, કેનાલ મારફતે વાગડ વિસ્તારમાં રવિ પાકનું વાવેતર થયું છે.
રાપર ખેતીવાડી ખાતાના વિસ્તરણ અધિકારી મનોજભાઈ સોલંકીના જણાવ્યા અનુસાર, રાપર તાલુકામાં ઘઉં 6000, ચણા 160, રાઈડો 5240, જીરૂ 45500,ધાણા 80, ઇસબગુલ 3075, વરીયાળી 870, અજમો 105, શાકભાજી 350, મકાઈ 1740, જુવાર 3640 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.
રવિ પાકનું વાવેતર 65,120 હેક્ટર વિસ્તારમાં કરવામાં આવ્યું છે. નોંધણી ના હોય તેવા 40 હજાર હેકટરમાં એરંડા, કપાસ, ઇસબગુલ, ઘઉં, રાયડો, વરીયાળી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. તેથી એકંદરે એક લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
ખેડૂત ભરતભાઈ રાધુભાઈ ચાવડાના જણાવ્યા અનુસાર, રાપર તાલુકામાં છેલ્લા 6 વર્ષથી ચાલી રહેલી નર્મદા યોજનાની કચ્છ બ્રાન્ચ કેનાલ દ્વારા દર વર્ષે ખેડૂતોની સંખ્યા વધી રહી છે. આ વર્ષે 10 હજારથી વધુ એન્જીનો રાત દિવસ ધમધમી રહ્યા છે અનેક ખેડૂતો કચ્છ બહારના રાધનપુર, સાંતલપુર, દાહોદ, ગોધરા, મહીસાગર, ખડીર, સૌરાષ્ટ્રમાંથી ભાગીદારીમાં રવિ પાકનું વાવેતર કરવા માટે આવ્યા છે. આ વર્ષે વાગડ વિસ્તારમાં માવઠાથી ખેતરોમાં પાણી ભરાઈ જતાં ચોમાસા દરમિયાનનો પાક નિષ્ફળ ગયો હતો અને હવે રવિ પાકનું વાવેતર થયું છે. જેમાં મુખ્યત્વે જીરૂ છે. જે અંદાજ મુજબ 70 હજાર હેકટરમાં મોડા, ખાંડેક, હમીરપર, માંજુવાસ, ફતેહગઢ, ગેડી, સલારી, કલ્યાણપર શાનગઢ, રવ,નંદાસર, ત્રંબો, જાટાવાડા, બાલાસર, મૌઆણા, ધબડા, રામવાવ, ખેંગારપર સહિતના ગામોમાં વાવેતર કરવામાં આવ્યું છે.
વિવિધ ખર્ચાઓ પર વધી રહેલા ભારને પગલે ખેડૂતોને આર્થિક માર પડી રહ્યો છે. જો નર્મદા કેનાલની ડાવરી પેટા કેનાલ શરૂ થઈ જાય તો અનેક ખેડૂતોને ફાયદો થાય તેમ છે. ઉપરાંત વાગડ વિસ્તારમાં રવિ પાકનું મુખ્ય વાવેતર જીરૂ છે અને આ પાકમાં ખેડૂતોને વળતર પણ રહે છે. તો નર્મદાની મુખ્ય કેનાલ પરથી જતી પેટા કેનાલો શરૂ થઈ જાય તો જરૂં ઉત્પાદનમાં વાગડનો ડંકો વાગે તેમ છે.