કચ્છના ખેડૂતો અત્યારે લીલા દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. મગ, બાજરી, ગુવાર, કપાસ એરંડાનો પાક વધુ વરસાદના કારણે નષ્ટ થઇ ગયો છે. ખેડૂતો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ પાક નિષ્ફળ જતાં વળતરનો દાવો માગી રહ્યા છે. પરંતુ બેંક અને વીમા કંપની દ્વારા પાક વીમાની રકમ કાપી લીધા પછી પણ પોલીસી નંબર કે આ અંગેની અન્ય કોઈ પણ માહિતી અપાઇ નથી. જેના કારણે, ખેડૂતો વીમા માટે ક્લેઇમ કરી શકતા નથી.
કચ્છના ભચાઉ તેમજ રાપર તાલુકાના ખેડૂતોએ ભારતીય કિસાન સંઘના નૈતૃત્વ હેઠળ ભચાઉ APMCએ જાહેરસભા યોજીને નાયબ કલેકટરના માધ્યમ દ્વારા સરકારને આવેદનપત્ર આપી રજૂઆત કરીં હતી. ખેડૂતોની માગ છે કે, પાક વીમાનું પ્રીમિયમ ભર્યા છતાં જો ખેડૂતોને વીમાની રકમ ન મળે તો એ ખેડૂતો માટે આઘાતજનક છે. વળી, ગત વર્ષ 2018ની પાક વીમાની રકમ પણ હજુ સુધી રાપર, ભચાઉના ખેડૂતોને મળી નથી. અવાર-નવાર સરકારનું ધ્યાન દોરવા છતાં પણ સમગ્ર મુદ્દો ખેતીવાડી વિભાગ તેમજ વીમા કંપની વચ્ચે અટવાયો છે. અને સરકાર આ અંગે કોઈ નિર્ણય લઇ શકતી નથી. પરિણામે પાક વીમાના મુદ્દે ખેડૂતો દુઃખી છે. એક બાજુ પાક નિષ્ફળ ગયો છે તો વળી બીજી બાજુ વીમાના રૂપિયા મળતા નથી. જેને કારણે ખેડૂતો પર દેવું વધી રહ્યું છે.