ભુજ: તાલુકાના કિસાનોને સતાવતા પીજીવીસીએલ, મહેસૂલ, ટાવર લાઈન, તળાવ, ખાતરની તંગી અને કચ્છને નર્મદાના નિયમિત અને વધારાના પાણી બાબતે ભારતીય કિસાન સંઘ દ્વારા 9 તાલુકા મથકોએ ધરણાં કરવામાં આવ્યા હતા. નર્મદા લાવો કચ્છ બચાવોના નારા સાથે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ કચ્છના ખેડૂતો એકત્રિત થયા હતા.
"કચ્છમાં નર્મદાના નિયમિત પાણીની દુધઈ સબ બ્રાન્ચ કેનાલમાં ટેન્ડર વધુ એક વાર રદ કરી દેવાયા છે. આ કેનાલના લાભાર્થી ગામો સરહદી છે અને પાણી માટે અન્ય કોઈ સ્ત્રોત નથી. ત્યારે નર્મદાના પાણી એકમાત્ર વિકલ્પ છે. કેનાલ બનાવવા માટે ખેડૂતો પોતાની જમીન આપવા તૈયાર છે. તેમ છતાં કોઇ કારણોસર દુધઈ સબ બ્રાન્ચ કેનાલના નિર્માણ અંગેના ટેન્ડર વારંવાર રદ કરી દેવામાં આવે છે. તો 9મી ઓક્ટોબરના ભારતીય કિસાન સંઘનું પ્રતિનિધિ મંડળ ગાંધીનગર ખાતે જનપ્રતિનિધિઓ અને અધિકારીઓને રૂબરૂ મળ્યું ત્યારે એક માસમાં કામ ચાલુ થઇ જશે તેવી ખાતરી આપવામાં આવી હતી."-- શિવજીભાઈ બરાડીયા (ભારતીય કિસાન સંઘ કચ્છના પ્રમુખ)
હજી સુધી કોઈ નિર્ણય નહીં: નર્મદા નિગમના ચીફ એન્જિનિયર એસ.બી.રાઓએ etv Bharat સાથેની ટેલીફોનીક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે,"નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને નિગમના સ્થાનિક અધિકારીઓને સાથે રાખીને ઉકેલ લાવવા બેઠક યોજવામાં આવશે.અગાઉ મળેલી બેઠકમાં. હજી કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો નથી અને આ બાબતે કોઈ અપડેટ છે નહીં."
ઉગ્ર આંદોલન કરશે: આ ઉપરાંત ભારતીય કિસાન સંઘની અન્ય રજૂઆત પણ છે. જેમાં ભચાઉ તાલુકાના વાંઢિયા સબ બ્રાન્ચ કેનાલના કામ લાંબા સમયથી મંદ ગતિએ થઇ રહ્યું છે. આ માટે સરકારના જ રેલવે અને નેશનલ હાઇવે ઓથોરિટી વિભાગ દ્વારા મંજૂરી ન મળતી હોવાના બહાના આગળ ધરી કામ મંદ ગતિએ કરવામાં આવે છે. ત્યારે સરકારના જ વિભાગો અડચણ રૂપ બનતા હોવાની વાત ગળે ઉતરે તેમ નથી. તો ઝડપથી કેનાલનું કામ પૂરા કરવામાં આવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે. જો આ કામ તાત્કાલિક ધોરણે કરવામાં નહીં આવે તો 28મી નવેમ્બર બાદ જિલ્લા સ્તરે 25000થી 40000 ખેડૂતો અને લોકો ભેગા થઈને ઉગ્ર આંદોલન કરશે.
લો વોલ્ટેજની સમસ્યા: આ ઉપરાંત વીજ પ્રશ્નો બાબતે પણ ખેડૂતોની રજૂઆતો છે કે ખેતીવાડીમાં સમાન વીજ દર લાગુ કરવા કેમ કે મીટર ટેરીફ અને એચપી ટેરીફમાં મોટો તફાવત છે. હાલમાં વીજ મીટર બળી જતાં ખેડૂતો પાસેથી નાણાં ભરવાનો આગ્રહ રખાય છે. તે બાબતે સરકાર દ્વારા વહેલી તકે પરિપત્ર બહાર પાડવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી. બિપરજોય વાવાઝોડા બાદ વીજ માળખું ઊભું કરવામાં કિસાનોએ પીજીવીસીએલને મદદ કરી હતી. ત્યારબાદ એજી ફીડરમાં આજ સુધી કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ કામ કર્યું નથી. કોડાય વિસ્તારમાં લાંબા સમયથી લો વોલ્ટેજની સમસ્યા સતાવે છે. જેની વારંવાર મૌખિક અને લેખિત રજૂઆત કરાઇ છે. તેમ છતાં પ્રશ્નનો ઉકેલ આવતો નથી જેથી તાત્કાલિક ધોરણે તેના માટે કામગીરી કરવામાં આવે.
પાણીના તળાવ અને યુરિયા ખાતરના પ્રશ્નો: ખેડૂતો દ્વારા અન્ય માંગણીમાં પાણીની સમસ્યા દૂર કરવા દરેક ગામમાં તળાવ બનાવવા અંગે ગામ વિસ્તારોમાં અનેક વિકાસ કામો થતા હોવાનું સરકાર દ્વારા કહેવાય છે પણ અનેક વિસ્તારોમાં પાણીની તંગી છે. તેના અંગે અસરકારક પગલાં ભરવામાં આવતા નથી ત્યારે દરેક ગામમાં એક તળાવ બનાવવામાં આવે તો પાણીનો પ્રશ્ન મહદ અંશે ઉકેલી શકાય તેમ છે. તો સાથે જ યુરિયા અને ડીએપી ખાતરની તંગી પણ ઊભી થઈ છે. ચાલુ વર્ષે રવિ પાક માટે જરૂરી એવા યુરિયા અને ડીએપી ખાતરની ભારે તંગી સર્જાઈ છે. સમયસર ખાતર ન મળતા પાકમાં મોટું નુકસાન થઇ રહ્યું છે. જેનાથી ખેડૂતો મુશ્કેલી ભોગવી રહ્યા છે. માટે આ તમામ પ્રશ્નો અને માંગણીને સરકાર ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.