જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી એમ.બી. પ્રજાપતિના જણાવ્યા પ્રમાણે કચ્છના 1870 જેટલા મતદાન મથકો માટે બે હજાર બેલેટ મશીન અને VVPAT રવાના કરવામાં આવ્યા હતા. ભુજની લાલન કોલેજ ખાતેથી તમામ વોટિંગ મશીન ફરી એક વખત ચકાસણી કર્યા બાદ લોખંડની પેટીઓમાં પેક કરી ટ્રકો મારફતે રવાના કરવામાં આવ્યા હતા. ચૂંટણીપંચ તરફથી 2570 બેલેટ યુનિટ સહિતના મશીન મોકલવામાં આવ્યા છે. જેમાંથી બે હજાર મશીનો મોકલવામાં આવ્યા છે, જ્યારે 570 યુનિટ અનામત રાખવામાં આવ્યા છે.
મતદાન કેન્દ્ર કરતાં 15 ટકા વધુ મશીનો મોકલવામાં આવ્યા છે અને જિલ્લા મથકેથી રવાના કર્યા બાદ તમામ વિધાનસભા બેઠક દીઠ સ્ટ્રોંગ રૂમમાં રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ દરમિયાન ચૂંટણી અધિકારી અને કલેકટર રેમ્યા મોહને ભુજ ખાતે ઇજનેરી કોલેજ સંકુલમાં મતગણતરી સ્થળની મુલાકાત લીધી હતી.