સુરત : નેશનલ હાઈવે નંબર 53 પર નવી કીકવાડ ગામની સીમમાં એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. મંગળવારે સવારે 10 વાગ્યાની આસપાસ અહીંથી પસાર થઈ રહેલી એક કાર ડિવાઇડર કૂદાવી સામેથી આવી રહેલી કાર સાથે અથડાઈ હતી. આ બનાવમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે સાત લોકોને ઈજા પહોંચી છે.
નેશનલ હાઇવે બન્યો લોહિયાળ : આ અંગે મળતી વિગત અનુસાર સોનગઢ તાલુકાના ઘોડા ગામે 63 વર્ષીય બળવંત મોહનભાઈ ગામીત પુત્ર અર્જુન ગામીત સહિત પરિવાર સાથે રહેતા હતા. બળવંત ગામીતને ગંભીર બીમારી હતી. અર્જુન ગામીત પોતાના સાથી પીપલકુવાના સાહુલ અનિલભાઈ ગામીત અને રાહુલ દેશુભાઈ ગામીત સાથે ઇકો સ્પોર્ટ ગાડી (GJ-26-A-5179) માં પિતા બળવંતભાઈને બેસાડી બીમારીની સારવાર માટે સુરત ખાનગી હોસ્પિટલમાં લઈ જવા માટે નીકળ્યા હતા.
ડિવાઇડર કૂદી કાર સાથે અથડાઈ ગાડી : આ દરમિયાન નેશનલ હાઈવે નંબર 53 પર નવી કીકવાડ ગામની સીમમાં રાહુલ ગામીતે ઇકો સ્પોર્ટ ગાડી પૂર ઝડપે હંકારતા ગાડી રોડની વચ્ચેનું ડિવાઈડર કુદાવી સામેના ટ્રેક પર પલટી ખાઈ ગઈ હતી. આ દરમિયાન સામે બારડોલી તરફથી બાજીપુરા તરફ જતી અલ્ટો ગાડી (GJ-06-CJ-0513) સાથે અથડાવી દેતા ઇકો સ્પોર્ટ ગાડીના ઉપરના ભાગે પતરૂ આખું ફાટીને રોડ ઉપર ફંગોળાઈ ગયું હતું.
"અકસ્માતના બનાવ અંગે બારડોલી રૂરલ પોલીસે અલ્ટ્રો ગાડીના ચાલક હેમંત ગુર્જરની ફરિયાદ લઈ ઇકો સ્પોર્ટ ગાડીના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે." -- પી. એન. જાડેજા (PI, બારડોલી રૂરલ પોલીસ મથક)
એક વ્યક્તિનું દુઃખદ મોત : ઇકો સ્પોર્ટ ગાડીમાં બેઠેલા બળવંતભાઈને ગંભીર ઈજા થતાં સ્થળ પર તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે ચાલક રાહુલ ગામીતની સાથે બેઠેલા સાહુલ અને અર્જુનને ઈજા થતાં બારડોલી સરદાર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા.
અન્ય સાત લોકો ઈજાગ્રસ્ત : અલ્ટો ગાડીના ચાલક સુરત કતારગામના હેમંત રમણભાઈ ગુર્જર કોન્ટ્રાક્ટ તરીકે કામ કરે છે. હેમંત ગુર્જર સુરતથી ગોળ બજારમાં રહેતા મજૂરો રૂબેલ રફીદૂર શેખ, આલેન એલી મુસ્તકી અને સાહોજ અમન શેખને બેસાડીને મઢી ખાતે ચાલતી કન્ટ્રક્શન સાઈડ ઉપર જતા હતા. હેમંત ગુર્જર સહિત ચારેયને ઈજા થતાં બારડોલી તથા સુરત હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા.
પોલીસ કાર્યવાહી : અકસ્માતને પગલે હાઈવે પર બારડોલીથી બાજીપુરા તરફ જતા ટ્રેક પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. એકાદ કલાકની જહેમત બાદ અલ્ટો ગાડી તથા ઇકો સ્પોટ ગાડીને રોડ સાઈડ કરાવી વાહન વ્યવહાર રાબેતા મુજબ કર્યો હતો.