કચ્છ: કન્યાકુમારી તીર્થની જેમ કચ્છનું નારાયણ સરોવર તીર્થ અતિ પવિત્ર ગણવામાં આવે છે. એક સમયે પરસોત્તમ માસમાં યાત્રાળુઓથી ખચોખચ ભરાઈ જતું નારાયણ સરોવર અને કોટેશ્વર તીર્થ આ વખતે કોરોનાને કારણે ખૂબ જ સુમસામ જોવા મળે છે. અહીં આવનારા યાત્રાળુઓની સંખ્યામાં આ વર્ષે ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે.

પરષોત્તમ માસમાં આ સરોવરમાં સ્નાન કરી કાંઠાગોરની પૂજા અને અહીં આવેલા ભગવાન ત્રિવિક્રમરાયના મંદિરે શ્રીંગાર દર્શનનો મહિમા ખૂબ છે. મંદિર પરિસરમાં શાલીગ્રામ, તુલસી અર્પણની વિધિ કરવામાં આવે છે. આ વર્ષે કચ્છમાં ખૂબ વરસાદ પડતા લખપત તાલુકામાં આવેલું આ નારાયણ સરોવર 13 વર્ષે છલકાયું હતું. નારાયણ સરોવરને જાગીરના અધ્યક્ષ સોનલલાલજી મહારાજ અને કોટેશ્વર મહાદેવ મંદિરના જાગીરાધ્યક્ષ દિનેશગિરીજી, અજિત વિઠ્ઠલદાસ જોશી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી વધાવવામાં આવ્યું હતું, પરંતુ કોરોનાની પરિસ્થિતિના કારણે યાત્રિકોના પ્રવાહમાં ઓટ જોવા મળી રહી છે.

નારાયણ સરોવર તીર્થની ઉત્પત્તિની લોકવાયકા એવી છે કે, નારાયણ ભગવાનના જમણા પગના અંગૂઠાથી જળનું વહન થયું તેનાથી નારાયણ સરોવર બન્યું. આદિઅનાદિ કાળથી પવિત્ર સરોવર તરીકે ભારતના ચાર પવિત્ર સરોવરોમાં માન સરોવર, બિંદુ સરોવર, પંપા સરોવર અને નારાયણ સરોવરનો પણ સમાવેશ થાય છે. જ્યારે પિતૃ તર્પણ માટે કચ્છનું આ તીર્થ શ્રેષ્ઠ માનવામાં આવે છે. સરોવરના કાંઠે ભગવાન વિષ્ણુના વિવિધ કુષ્ણરુપોના મંદિર પણ આવેલા છે.
અહીંથી ત્રણેક કિમીના અંતરે આવેલું કોટેશ્વર મહાદેવનું મંદિર પણ શ્રધ્ધાળુઓની આસ્થાનું પ્રતીક છે. ભૂજથી 158 કિમી દૂર આવેલા આ પવિત્ર તીર્થસ્થળે શ્રી નારાયણ સરોવર અન્નશ્રેત્ર અને ભોજનાલય ટ્રસ્ટ દ્વારા બે સંકુલમાં એસી, નોન એસી રુમોમાં ઉતારાની અને પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ કોરોનાની પરિસ્થિતિના કારણે આ સેવાઓ બંધ છે. એટલે કે યાત્રાળુઓએ એ જ દિવસે પરત ફરવું પડે છે. આ વર્ષે યાત્રાળુઓમાં થયેલા ઘટાડાનું આ પણ એક મુખ્ય કારણ માનવામાં આવે છે. પ્રવાસન વિભાગ દ્વારા અહીં હોટેલ બનાવવામાં આવી છે. યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડો નોંધાતા પ્રવાસન પર નભતા આ ગામના વિવિધ ધંધાર્થીઓ અને પૂજા પાઠમાં રોકાયેલા ભૂદેવો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.