- 'મન કી બાત' કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ આપ્યો હતો સંકલ્પ
- કચ્છના પ્રગતિશીલ ખેડૂતોએ કરી હતી પહેલ
- સાંસદ વિનોદ ચાવડાને દેશી નામ આપવાની રજૂઆત કરી હતી
કચ્છઃ વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ 'મન કી બાત' કાર્યક્રમમાં કચ્છના ડ્રેગન ફ્રૂટનું દાખલો આત્મનિર્ભર ભારત સંકલ્પ માટે આપ્યો હતો. જેથી કચ્છના ખેડૂતોની આ મહેનતને હવે સ્વદેશી ઓળખાણ આપવાનો પ્રયાસ શરૂ થયો હતો. આ વિદેશી ફ્રૂટ સમગ્ર દેશમાં ડ્રેગન ફ્રૂટ તરીકે ઓળખાય છે. જેથી કચ્છના પ્રગતિશીલ ખેડૂતોએ કચ્છના સાંસદને ડ્રેગન ફ્રૂટને કમલમ ફ્રૂટ નામ આપવાની રજૂઆત કરી હતી. આ સાથે ખેડૂતોએ હવેથી કચ્છમાં ઉત્પાદિત તમામ ડ્રેગન ફ્રૂટને કમલમ ફ્રૂટના નામથી વેચાણ કરવાનો સંકલ્પ કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં ઊંચી ગુણવત્તા તથા ઓછી જમીનમાં ડ્રેગન ફ્રૂટના વધુ ઉત્પાદન માટે કચ્છના ખેડૂતોને બિરદાવ્યા હતા. જેથી કચ્છના ખેડૂતોએ કિસાન કમલમ ફ્રૂટ પરિવારના નેજા હેઠળ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે આ ફ્રૂટને કમલમ ફ્રૂટની ઓળખ આપવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત સાંસદ વિનોદ ચાવડાને નિમંત્રણ આપી કમલમ ફ્રૂટનું નામ સમગ્ર દેશમાં પ્રખ્યાત કરવા સરકાર પાસે રજૂઆત કરવા સૂચન કર્યું હતું.
ખેડૂતોની આ પહેલ ખૂબ આવકારદાયક: સાંસદ વિનોદ ચાવડા
આ અંગે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, દિવસેને દિવસે આ ફ્રૂટની લોકપ્રિયતા વધી રહી છે. આવામાં આ ફ્રૂટના ઉત્પાદનમાં વધારો કરી આ ફળની નિકાસ કરવા ખેડૂતોની આ પહેલ ખૂબ આવકારવા લાયક છે.
આ પરિષદમાં આશાપુરા એગ્રો ફ્રૂટ, ભુજ પીનડોરીયા ફાર્મ, આસંબીયા પટેલ ફાર્મ, ધુણઈ કેડિયા ફાર્મ, અબડાસા બાપા દયાળુ ફાર્મ, સામત્રા વિષ્ણુ ફાર્મ, મંજલ આશાપુરા ફાર્મ, નર્સરી મોટી મઉ જેઠવા ફાર્મ, મુન્દ્રા શ્રી હરિ ફાર્મ, કોડાઈ પટેલ ફાર્મ, કોડાય વાસુ પુણ્ય ફાર્મ, ખારૂવા કેડી ધોળું ફાર્મ, માનકુવા નેચરલ ફાર્મ અને ચંદુઆ રખાલના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.