તબીબોને ભગવાનનું રૂપ કહેવામાં આવે છે. તેની વધુ એક સાબિતી આપતી ઘટના સામે આવી છે. સારવારમાં ભૂજની જી. કે જનરલ સિવિલ હોસ્પિટલમાં ખેતીવાડી માટે વપરાતી દવા પી જવાથી બેભાન થઈ ગયેલા યુવકને લાવવામાં આવ્યો હતો. આ યુવાન ચાર દિવસ સુધી બેભાન અવસ્થામાં રહ્યો હતો. જે બાદ એક મહિનાની વેન્ટીલેટરની ઘનિષ્ઠ સારવાર આપી દવાનું ઝેર દુર કરી બચાવી લેવામાં આવ્યો હતો.
એક તબક્કે આ યુવાનની તબિયત એટલી હદે કથળી ગઈ હતી કે તબિયતમાં સુધાર લાવવો મુશ્કેલ હતો. ઘરના વડીલોએ તેના બચવાની આશા સદંતર છોડી દીધી હતી. જે કારણે તેમને આ યુવાનને હોસ્પિટલેથી ઘરે લઇ જવાની તબીબો પાસે પરવાનગી માગી હતી. જો કે, જી. કે. જનરલ હોસ્પિટલના તબીબોએ પોતાના પ્રયાસો ચાલુ રાખી મોતને હાથતાળી આપી હતી.
જી. કે. જનરલ હોસ્પિટલનાં મેડીસીન વિભાગના ડૉ. દીપક બલદાનીયાનાં જણાવ્યા અનુસાર, ભુજ તાલુકાના વાવડી ગામના અનિલકુમાર બલવંત બડીવાસે(ઉ.વ.19) ગત મહીને ખેતીમાં વપરાતી દવા પી લીધી હતી. જે બાદ તેને સારવાર માટે બેભાન અવસ્થામાં જી. કે.ના ઈમરજ્ન્સીમાં લાવવામાં આવ્યા, ત્યારે તેના મોઢામાં ફીણ અને લોહીનું દબાણ નીચું હતુ. તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, જે કારણે મગજ સુધી ઓક્સીજન પહોંચતો ન હોવાથી તેની હાલત અંત્યત નાજૂક હતી. આવી પરિસ્થિતિ સામે તબીબોએ મગજસુધી ઓક્સીજન પહોંચાડવા માટે મોઢામાં નળી વડે ઓક્સીજન(એન્ટીયુબેસન) આપવાનું શરૂ કર્યું હતું.
ત્યારબાદ ત્રીજા દિવસે આ યુવાન ભાનમાં આવ્યો હતો, પરંતુ દવાને કારણે ફેફસામાં ચેપ લાગવાથી ફેફસાં સામાન્ય રીતે કામ કરી શકતા ન હતા. શ્વાસ લેવાની તકલીફને નિવારવા ડૉક્ટરે તેના ગળામાં કાણું પાડી વેન્ટીલેટર(ટ્રેકયોસ્ટોમી) જોડ્યું હતું, જે બાદ યુવાનની શ્વસન પ્રકિયા સામાન્ય બની હતી. દોઢ મહિના જેટલી જટિલ સારવાર બાદ આ દર્દી ઝેરી દવાની અસરમાંથી મુક્ત થયો હતો. આ દર્દીની સારવાર RMO ડૉ. અવિનાશ તિવારી અને ડૉ. રૂબી પટેલે કરી હતી.
ઈમરજન્સી વિભાગનાં ડૉ. હિંમત કતીરાએ જણાવ્યું હતું કે, જી. કે.માં ગત વર્ષે અકસ્માતે અથવા અગમ્ય કારણોસર ખેતીવાડીની દવા, ફિનાઈલ, ધતુરાના બીજ કે એસીડ પી જવાના 464 કેસો નોંધાયા હતા.