કચ્છઃ મંગળવારથી શ્રાવણ માસની શરૂઆત થઇ છે, ત્યારે કચ્છ જિલ્લામાં શિવાલયોમાં ભાવિકોએ પ્રભુના અભિષેક સાથે પૂજન કર્યું હતું. કોરોના મહામારીના કારણે મંદિરોમાં સાવચેતી રાખવામાં આવી રહી છે અને સેવાકીય સંસ્થાઓ દ્વારા આ માટે ખાસ આયોજન કર્યું છે.
કોરોના મહામારીનું સંક્રમણ દેશભરમાં વધ્યું છે. ત્યારે કચ્છમાં પણ હવે દૈનિક ૧૫થી ૨૦ જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. આ સ્થિતિમાં શ્રાવણ માસમાં પણ શિવાલયોમાં ભાવિકો નિયમોના પાલન સાથે ભક્તિ કરે તે જરૂરી છે. મંદિર ટ્રસ્ટ, પૂજારી સહિતનાઓ આ માટે પ્રયાસો કરી રહ્યા છે.
ભુજની લાયન્સ ક્લબ સક્શમ ઓર્ગેનાઇઝેશન અને આશ ટેબલ ટ્રસ્ટ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધીંગેશ્વર મહાદેવ, દ્વિધા મેશ્વર મહાદેવ, બિહારીલાલ મહાદેવ અને ચંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવિકો માટે માસ્ક અને સેનિટેશનની સુવિધા ઉભી કરવામાં આવી છે. સાથે સેલ્ફી પોઇન્ટ વડે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જાગૃતિ આવે તેનું આયોજન કરાયું છે.
આયોજક સંજય ઠાકરે ETV ભારતને જણાવ્યું હતું કે, શ્રાવણ માસમાં શિવાલયોમાં ભાવિકોની ભીડ થશે તે નક્કી છે, કોરોના મહામારી વચ્ચે લોકો નિયમોનું પાલન કરે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત સેલ્ફી પોઇન્ટ પર ફોટો પાડીને સોશિયલ મીડિયામાં અપલોડ થશે. જેથી લોકો પણ મહામારી વચ્ચે આરોગ્ય વિભાગે સૂચવેલા નિયમોના પાલન માટે જાગૃતિ થશે. આ ઉપરાંત ભાવિકો પાસે સંકલ્પ લેવડાવવામાં આવી રહ્યા છે. તેમજ તેમણે વધુમાં જણાવ્યું કે, જો વ્યક્તિ પોતે સુરક્ષિત હશે તો તેનું ઘર સુરક્ષિત રહેશે અને ઘરેથી શેરી, શહેર અને શહેરથી સમાજ સુરક્ષિત થશે. મહામારી સાથે સુરક્ષા ઉપાય છે ત્યારે નિયમોના પાલનની આ યુવાને અપીલ કરી હતી.
હર્ષદ ભીંડે નામના ભાવિકે જણાવ્યું હતું કે, માસ્ક વગર આવેલા ભાવિકોને માસ આપીને જાગૃત કરાયા છે. મંદિરમાં નિયમોના પાલન સાથે સુરક્ષિત વાતાવરણ ઊભું થાય છે. વધુમાં જણાવ્યું કે, સામાજિક અંતર, માસ્ક, સેનેટાઈઝર સહિતની અહી વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી ભાવિકો સુરક્ષિત અનુભવ સાથે ભગવાન ભોલેનાથની પૂજા કરી રહ્યા છે.
દીધામેશ્વર મહાદેવ મંદિરના પૂજારી હેરશગીરી ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, મંદિરમાં અભિષેક દરમિયાન સામાજિક અંતર જાળવી શકાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. ભાવિકો પણ સાવચેતી સાથે પૂજન અર્ચન કરી રહ્યા છે.