કચ્છ: ધારાસભ્યએ મહિલાઓ સાથે મળીને ડિઝાઈનર માસ્ક તૈયાર કરાવ્યા છે. એક લાખથી વધુ માસ્ક આગામી દિવસોમાં તૈયાર કરીને સમગ્ર ભુજમાં વિતરણ કરાશે. આ તકે ડૉ. નિમાબેન આચાર્યએ જણાવ્યું હતું કેે હાલના લોકડાઉનના અને બિમારીના ડર વચ્ચે લોકો માસ્ક પહેરવા બાબતે વધુ જાગૃત થયા છે. ભુજમાં સખી મંડળની બહેનો સાથે મળી કચ્છી કાપડ, બાંધણી અને કચ્છી ડિઝાઈનનો ઉપયોગ કરીને આ રંગબેરંગી માસ્ક તૈયાર કરી રહ્યા છીએ. લોકોને માસ્ક પસંદ પણ આવશે અને તેને સરળતાથી ઉપયોગમાં પણ લઈ શકાશે. કાપડ અને ડિઝાઈન બન્ને લોકોને પસંદ આવી રહ્યા છે. લોકો માસ્કનો ઉપયોગ કરે તે અનિવાર્ય છે જેને પગલે ભુજની સખી મંડળની બહેનોને પણ રોજગારી મળતી થઈ છે.
આ સાથે જ નિમાબેને ઉમેર્યુ હતું કે એક લાખ માસ્ક તૈયાર કરાઈ રહ્યા છે અને માસ્કના થોડા ફોટા અને ઉપયોગ જોયા પછી રાજયભરમાંથી તેના વિતરણ માટેની માગ ઉઠવા પામી છે. આ માસ્ક મનરેગાના શ્રમિકો તેમજ નાગરિકોને પણ વિતરણ કરાશે.