કચ્છઃ હસ્તકળામાં કચ્છ એ વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં દેશવિદેશમાંથી આવતા પ્રવાસીઓ હસ્તકળાની ચીજવસ્તુઓ અચૂકથી પોતાની સાથે લઈ જતા હોય છે. તેમાં પણ હવે કચ્છી કારીગર દ્વારા કાપડ અને તારનો ઉપયોગ કરીને બનાવેલા ઊંટના શૉ પીસથી પ્રવાસીઓ ખૂબ જ આકર્ષાઈ રહ્યા છે. સાથે જ આવા કાપડના રમકડાની માગ પણ વધી રહી છે. રણોત્સવમાં આ સ્ટોલ થકી કચ્છી કારીગરને પૂરા વર્ષની રોજગારી પણ મળી રહી છે.
આ પણ વાંચો એક સમયે જ્યાં લોકો માણસ જોવા તરસી જતા એ જગ્યાએ આજે રણોત્સવની ધૂમ, થાય છેે મોટી આવક
કાપડ અને તારના ઊંટના રમકડાંએ રણોત્સવમાં સર્જ્યું આકર્ષણઃ સરહદી જિલ્લા કચ્છમાં અનેક કળાઓ સાથે સંકળાયેલા કારીગરો છે કે, જેમણે પોતાની કળા ગ્રામ્ય સ્તરેથી વિશ્વ સ્તરે પહોંચાડી છે. રોગાન આર્ટ હોય, કોપર બેલ હોય, બાંધણી હોય કે પછી હાથ વણાટકામ હોય અનેક કારીગરોએ મહેનત કરીને કાઠું કાઢ્યું છે. તો કચ્છી કારીગરોની કળાથી અનેક વિદેશી પ્રવાસીઓ તો ભારતના પ્રવાસીઓ પણ પ્રભાવિત થઈને ખરીદી કરતા હોય છે અને પોતાની સાથે કચ્છની કલાકૃતિની યાદગીરી સાથે લઈ જતા હોય છે.
વિદેશી પ્રવાસીઓ આકર્ષિતઃ હાલ રણોત્સવ દરમિયાન પ્રવાસીઓને સફેદ રણમાં એક નવા પ્રકારની હસ્તકળા જોવા મળી રહી છે. તાર અને કાપડ વડે બનાવેલા ઊંટના શૉપીસ પ્રવાસીઓમાં હોટ ફેવરીટ બન્યા છે. જોકે, આ પ્રકારની કારીગરીનો ફક્ત એક જ સ્ટોલ હોવાથી તેની માગ ખૂબ વધી છે. વિદેશી પ્રવાસીઓને પણ આ ખૂબ પસંદ આવતા રોજ બનાવેલા શૉપીસ રોજ વેચાઈ જાય છે.
સ્થાનિક કારીગરોને રોજગારીઃ કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં યોજાતો રણોત્સવમાં કચ્છના સ્થાનિક કારીગરોને રોજગારી મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવે છે. રણોત્સવ ખાતેની ટેન્ટ સિટીમાં સ્થાનિક કારીગરોને સ્ટોલ આપવામાં આવે છે અને કારીગરો વિવિધ હસ્તકળાની વસ્તુઓ વહેંચીને રોજગારી મેળવી રહ્યા છે. ત્યારે ધોરડો ગામના હસ્તકળાના કારીગર કાના સુમાર મારવાડાએ ટેન્ટ સિટીમાં કાપડના રમકડાંનો સ્ટોલ ઊભો કર્યો છે. ને ખાસ કરીને કાપડ અને તાર વડે ઊંટ બનાવે છે.
આ પણ વાંચો રણોત્સવમાં ટ્રાવેલ સ્ટોરીઝનો ટ્રેન્ડ, રીલ્સની થ્રીલ માણતા પ્રવાસીઓ
100 રૂપિયાથી કરીને 1000 રૂપિયા સુધીના રમકડાંઃ કાના સુમાર મારવાડાએ જણાવ્યું હતું કે, ધોરડો ગામમાં 6થી 7 જેટલા કારીગરો છે, જેઓ આ કાપડ અને તારમાંથી આવા રમકડાં બનાવે છે. આ નાના રમકડાં બનાવતા 2 કલાક જેટલો સમય લાગે છે. જ્યારે મોટા રમકડાં બનાવતા અડધો દિવસ પણ લાગી જાય છે. તેમણે ઉમેર્યું હતું કે, આવા રમકડાં કચ્છમાં ધોરડો ગામ સિવાય ક્યાં પણ નથી બનતા. 100 રૂપિયાથી કરીને 1,000 રૂપિયા સુધીના રમકડાં હોય છે. આ રમકડાં કાપડ, તાર તેમ જ મોતીમાંથી બનાવવામાં આવે છે અને આ રમકડાંની ખૂબ જ માગ રહે છે. માટે રોજ જેટલા બનાવવામાં આવે છે એટલા દરરોજ વહેચાઈ જાય છે.