કચ્છ: અબડાસા વિસ્તારને નખત્રાણા સાથે જોડતો કોટડાથી બિટ્ટાનો રસ્તો આજથી પાંચ વર્ષ અગાઉ નવો બન્યો હતો, પરંતુ આ માર્ગ ઉપરથી મીઠાનું પરિવહન કરતા ભારેથી અતિભારે વાહનોનાં કારણે એક વર્ષમાં જ આ માર્ગ બિસ્માર બન્યો હતો અને છેલ્લાં ચાર વર્ષમાં રાજ્ય ધોરીમાર્ગની હાલત દયનીય થઇ ગઇ છે.
'આ રસ્તા માટે કલેકટર, સાંસદ, અબડાસાના ધારાસભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ, પ્રાંત અધિકારી, મામલતદાર, કાર્યપાલક ઇજનેર-ભુજ, પીએસઆઇ નખત્રાણા તેમજ નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ મકાન વિભાગને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે. 27મી સપ્ટેમ્બરના નખત્રાણા પ્રાંત કચેરી ખાતે તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં મૌખિક રજૂઆત કરવામાં આવી હતી ત્યારે અઠવાડિયામાં સમારકામ થશે એવી ખાતરી અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. પરંતુ સ્વાગત કાર્યક્રમને 15 દિવસ થઈ ગયા હોવા છતાં પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. - તુષાર ગોસ્વામી, ઉખેડા ગામના સરપંચ
15 જેટલા ગામડા માટે અત્યંત મહત્ત્વનો માર્ગ: વહીવટતંત્રને આ રસ્તા પરથી ભારે વાહનોમાં થતાં નમક પરિવહન ન થાય તે માટે પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં છેલ્લા 30 દિવસથી ભારે વાહનોમાં નમકનું ઓવરલોડ પરિવહન શરૂ થઇ જતાં આ રસ્તાની હાલત દયનીય બની છે. આ રસ્તા પર ટુ વ્હીલર તથા ફોરવ્હીલ ચાલવા લાયક પણ નથી રહ્યા. છેલ્લાં 14 દિવસમાં આ રસ્તા પર નાના નાના અનેક અકસ્માત થયા છે. આ માર્ગ નખત્રાણા, અબડાસા તાલુકાનાં ગામડાને જોડતો મુખ્ય ધોરીમાર્ગ છે. આ માર્ગ પર 15 જેટલા ગામડાં માટે અત્યંત મહત્ત્વનો માર્ગ છે અને આ રસ્તા પર રોજના હજારો વાહનોની અવરજવર રહેતી હોય છે.
રસ્તા રોકો આંદોલનની ચીમકી: આ ધોરીમાર્ગ પર 25 કિલોમીટર જેટલો રસ્તો બિસ્માર બન્યો છે. જેના લીધે કોટડા,ઉખેડા, જદોડર, કાદીયા નાના, કાદીયા મોટા, રસલીયા, વમોટી નાની, સમંડા,ખાનાય, વમોટી મોટી, બાલાપર, દબાણ, બીટા સહિતના ગામોને હાલાકી ભોગવવી પડી રહી છે. લોકો આ બિસ્માર રસ્તાના કારણે નિયત સમયે પહોંચી પણ નથી શકતા. વહીવટીતંત્ર અને સબંધિત વિભાગને અનેક વાર રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની ગંભીરતા દાખવવામાં ન આવતા લોકો રોષે ભરાયા છે. આગામી 15 દિવસમાં જો આ માર્ગ રિપેર કરવામાં નહીં આવે તો ગામોના લોકો રસ્તા માટે હવે રસ્તા પર આવી રસ્તા રોકો આંદોલન સહિતના કાર્યક્રમો યોજશે અને તેના માટેની તમામ જવાબદારી તંત્રની રહેશે એવી ચીમકી ઉખેડાના સરપંચે આપી હતી.
"નખત્રાણા સર્કલના અધિકારી બી.ડી. પ્રજાપતિ દ્વારા આવતીકાલથી આ રસ્તાનું રીપેરીંગ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત વરસાદ અને વાવાઝોડાના કારણે પણ રસ્તાને નુકસાન પહોંચ્યું હતું. સાથે જ મીઠાના વાહનોની અવરજવર ના લીધે પણ રસ્તાની હાલત બગડી રહી છે. વિભાગ દ્વારા આગામી સમયમાં સર્વે કરીને નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવશે." - વિપુલ વાઘેલા, અધિકારી, માર્ગ અને મકાન વિભાગ, કચ્છ