કચ્છ: વાવાઝોડા બિપરજોયને કચ્છ વહીવટીતંત્ર અને સરકાર દ્વારા છેલ્લાં 3-4 દિવસથી અનેક મિટિંગોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ ડિપાર્ટમેન્ટ વિભાગોને બોલાવી કરી અને વાવાઝોડા પૂર્વે જે તૈયારી કરવી પડે એ પૂર્ણ થઈ છે. ત્યારે હાલમાં કચ્છમાં વહીવટીતંત્ર દ્વારા શું તૈયારી કરવામાં આવી છે તે અંગે સાંસદ વિનોદ ચાવડાએ ETV ભારત સાથે વાતચીત કરી હતી.
લોકોને કરાઈ અપીલ: તંત્રએ સ્થળાંતરથી માંડીને તેમને રહેવા માટે, ભોજન માટેની વ્યવસ્થા, લાઈટ, આરોગ્યને લગતી તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કચ્છની અંદર પશુધન પણ વધારે છે ત્યારે તેમના માટે પણ ચિંતા વ્યક્ત કરીને પશુઓને ઊંચાઈ વાળા વિસ્તારમાં ટેકરા પર લઈ જવામાં આવે અને તેમને બાંધી મુકવામાં ન આવે તે માટે અપીલ સરકાર અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.
મનસુખ માંડવીયાએ કરી સમીક્ષા: કચ્છ પ્રભારી પ્રધાન પ્રફુલ પાનસેરીયા અને હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર પ્રધાન ઋષિકેશ પટેલે કચ્છના વિવિધ બંદરોની મુલાકાત લીધી હતી તેમજ પોર્ટના અધિકારીઓ, સ્થાનિક લોકોને મળીને ચર્ચા પણ કરી હતી. આજે ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા કચ્છની મુલાકાતે આવ્યા છે અને તેમણે અધિકારીઓની તેમજ જન પ્રતિનિધિઓની સાથે બેઠક કરી હતી અને પરિસ્થતિ અને તંત્રની તૈયારીઓ અંગે માહિતગાર થયા હતા.
વાવાઝોડાની સામે તંત્ર સજ્જ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુદરતી ઘટના હોય કે કોઈ પણ ઘટના હોય ત્યારે તેઓ હંમેશા ચિંતિત રહેતા હોય છે. વડાપ્રધાને બેઠક પણ બોલાવી હતી અને ભારત સરકારના પ્રધાનોને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે. વાવાઝોડાને લઈને ભારત સરકાર તેમજ ગુજરાત સરકારના પ્રધાનો ગુજરાત તેમજ કચ્છની મુલાકાતે છે. ઉપરાંત સેન્ટ્રલ લેવલની તેમજ નેશનલની સુરક્ષા એજન્સીઓએ આ વાવાઝોડાની સામે લડવા માટે તૈનાત છે. તેમજ આપત્તિમાં ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે તંત્ર તૈયારી કરી રહ્યું છે.