કચ્છ: હવામાન વિભાગની આગાહી મુજબ સંભવિત ચક્રવાત બિપરજોય કચ્છ પર ત્રાટકશે.કચ્છના પ્રભારી પ્રફુલ પાનસેરિયા અને આરોગ્ય અને પરિવાર વેલ્ફેરના પ્રધાન ઋષિકેશ પટેલે પણ વહિવટી તંત્રની તૈયારીઓ સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી. કચ્છમાં 2 NDRF અને 2 SDRFની ટીમો બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે, જેમાં 1 NDRF અને 1 SDRF ટીમને નલિયામાં તૈનાત કરવામાં આવી છે. NDRFની 1 ટીમ માંડવીમાં તૈનાત કરવામાં આવી છે, તો આજે સવારે SDRFની ટીમ આવી છે. જેને ભુજમાં સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.
કલમ 144 લાગુ: કચ્છમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે, જેથી સાવચેતીના પગલારૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી છે.આ કલમ 12 જૂનથી 16 જૂન સુધી અમલમાં રહેશે. તો કચ્છના કંડલા બંદર પર સંભવિત વાવાઝોડાનો સંકેત આપવા માટે 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, તો મુન્દ્રા અને માંડવી બંદર પર પણ 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જે અત્યંત જોખમી સ્થિતિ દર્શાવે છે.
કંડલા પોર્ટ બંધ થતાં કરોડોનું નુકસાન: કચ્છ રૂટની તમામ ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. ચક્રવાતની કટોકટીના કારણે જિલ્લા કલેક્ટરે સુરક્ષાના હેતુથી કચ્છ જિલ્લામાં ખાણકામ પર પ્રતિબંધ મૂક્યો છે. 15મી જૂન સુધી ખનીજ ખનન કામગીરી અને ખનીજની હેરફેર અને સંગ્રહ અને તેને લગતી તમામ પ્રવૃત્તિઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. બિપરજોય ચક્રવાતને કારણે કંડલા પોર્ટ બંધ થવાને કારણે કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં ટ્રકોના ઢગલા થઈ રહ્યા છે, બંદર પર કામ બંધ થતાં હજારો ટ્રકોના પૈડા થંભી ગયા છે, તો આગામી 3 દિવસ ઉદ્યોગ અને પરિવહન ઉદ્યોગને કરોડોનું નુકસાન થશે.
5000 લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કરાયા: કંડલા બંદર વિસ્તારમાં રહેતા લોકો કે જેમની પાસે પોતાના પાકાં મકાનો છે તેઓને બસ દ્વારા તેમના વતન મોકલવામાં આવી રહ્યા છે. લગભગ 1000 લોકોને બસ દ્વારા તેમના વતન મોકલવામાં આવી રહ્યા છે. જ્યારે માઈક દ્વારા કરાયેલી જાહેરાત દ્વારા અંદાજે 2000 લોકો સ્વેચ્છાએ પોતાના વતન જવા રવાના થયા છે. જ્યારે બાકીના 5000 લોકોને સરકાર દ્વારા શેલ્ટર હોમમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.
શાળાઓ અને કોલેજોમાં 3 દિવસની રજા જાહેર: સાયક્લોન બિપોરજોયની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારીએ પત્ર જારી કરીને શાળાઓ અને કોલેજોમાં 3 દિવસની રજા જાહેર કરી છે. સરકારી, ગ્રાન્ટેડ, નોન-ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં મુક્તિ જાહેર કરવામાં આવી છે. 13 જૂનથી 15 જૂન સુધી રજા જાહેર કરવામાં આવી છે. પ્રોફેસર અને સ્ટાફે ફરજીયાતપણે હેડ ક્વાર્ટરમાં હાજર રહેવાનું રહેશે તો કચ્છના સુપ્રસિદ્ધ યાત્રાધામ કોટેશ્વર, નારાયણ સરોવર અને સ્મૃતિવન ભૂકંપ મ્યુઝિયમ અને સ્મારક 3 દિવસ માટે બંધ જાહેર કરવામાં આવ્યા છે.