કચ્છ/ માંડવીઃ બિપરજોયના જોખમને ધ્યાને લઈને કચ્છમાં SDRFની ટીમએ દરિયા કાંઠાના વિસ્તારોની મુલાકાત લીધી હતી. જેમાં ખાસ સંવેદનશીલ વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. SDRF ની ટીમ રવિવારે કચ્છ આવી પહોંચી હતી. કાંઠાના વિસ્તારોના વિવિધ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લીધી હતી. તો અબડાસાના કાંઠા વિસ્તારમાં આવેલા ગામડાઓની સમિક્ષા કરી હતી. આફત સમયે કંઈ રીતે હાલાતને હેન્ડલ કરીને કોઈ પણ પ્રકારની જાનહાનિથી લોકોને બચાવી શકાય.
તમામ વિભાગો એલર્ટઃ કચ્છના કલેકટરે તમામ વિભાગોને સર્તકતાથી આયોજનપૂર્વક કામ કરવા સૂચનો કર્યા છે. ખાસ કરીને કિનારાના પ્રદેશનો ખાસ સૂચના આપી દેવામાં આવી છે. જરૂરિયા અનુસાર લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. આ ઉપરાંત 16 જુન સુધી એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. કિનારાના પ્રદેશમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. દરિયા બાજુંના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
"જો કચ્છ જિલ્લાના દરિયાકાંઠે વાવાઝોડું લેન્ડફોલ કરે તો ગણતરીના કલાકોમાં તમામ નુકસાનીનું રિસ્ટોરેશન થઈ શકે તે જરૂરી છે. ખાસ કરીને વીજળી, પાણીની વિતરણની સુવિધા અને કમ્યુનિકેશન નેટવર્ક વહેલી તકે ફરીથી સ્થાપિત થઈ શકે તે અગત્યનું છે. તો સર્તકતાથી આયોજનપૂર્વક કામગીરી કરવા માટે કચ્છ કલેકટરે તમામ વિભાગોને સૂચનો કર્યા છે."---અમિત અરોરા (કચ્છ જિલ્લા ક્લેક્ટર)
72 ગામોનું મેપિંગઃ દરિયા કાંઠાના 0થી 5 કિલોમીટરની અંદર 72 જેટલા ગામડાંઓ છે. જેમને શેલ્ટર હોમની મેપિંગ કરવામાં આવી છે. તો 0 થી 10 કિલોમીટરના વિસ્તારમાં આવતા ગામડાઓની પણ મેપીંગ કરવામાં આવી છે. દરિયા કાંઠાના ગામડાઓમાં સતત માઇક મારફતે સૂચનો આપવામાં આવી રહ્યા છે. બીચ તેમજ દરિયા કાંઠે આવેલા મંદિર બંધ કરી દેવામાં આવ્યા છે અને લોકોની અવરજવર બંધ કરી દેવામાં આવ્યા છે. કાચા ઝુંપડા જેવા આવાસમાં રહેતા 8300 જેટલા લોકોને સ્થળાંતર કરવા માટે તેમજ શેલ્ટર હોમમાં સહારો આપવા માટેની પણ કામગીરી કરવામાં આવી રહી છે.
અફવાથી સાવધાનઃ શેલ્ટર હોમ પર મેડિકલ ટીમ, વીજળી, ભોજન વ્યવસ્થા , ફૂડ પેકેટ , નાના બાળકો માટે દૂધ, સુવા માટે હિંચકાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.તો તંત્રનો પૂરતો પ્રયાસ છે કે કોઈ પણ સ્થળે કોઈ પણ પરિસ્થિતિએ કોઈ જાનહાનિ ન થાય. કાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહીના પગલે પોલીસ વિભાગને સતત પેટ્રોલિંગ કરીને કોઈ જ વ્યક્તિ દરિયાકાંઠે ના જાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. આગામી દિવસોમાં વાવાઝોડાની તીવ્રતા વધી શકે છે. આ ઉપરાંત અફવાઓ અંગે વાતચીત કરતા કલેક્ટરે જણાવ્યું હતું કે, નાગરિકોને કોઈપણ પ્રકારની અફવાઓમાં દોરાયા વગર સરકારી તંત્ર દ્વારા સમયાંતરે અપાતી સૂચનાઓનું પાલન કરવું જોઈએ."