કચ્છ: કચ્છના ભૂજ ખાતેની અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ દર્દી નાસી છુટતા ભારે ચકચાર મચી હતી. જોકે તંત્રએ મહેનત બાદ અંજારના આ દર્દીને રેલવે સ્ટેશન પરથી શોધી કાઢીને ફરી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. આ વચ્ચે આજે દર્દી ભૂજ હોસ્પિટલથી એસટી બસમાં અંજાર પહોંચ્યો હોવાનું સામે આવતા તંત્રએ આ બસમાં મુસાફરી કરનારા લોકોને હોમ આઈસોલેટ થવાનો અનુરોધ કર્યો છે.
મળતી વિગતો મુજબ અંજારના મફતનગરમાં રહેતો 48 વર્ષીય સીતારામ કુંવટ નામનો શખ્સ ગઈકાલે ભૂજ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યો હતો. હોસ્પિટલમાં આ શખ્સના કોરોના સેમ્પલ લેવાયા હતા. આ વચ્ચે હોસ્પિટલમાંથી એકાએક તે ફરાર થઇ ગયો હતો. રિપોર્ટ ગત મોડી સાંજે જાહેર થયા બાદ આ દર્દી ફરાર થઈ ગયાની બાબત ધ્યાને આવતા ભૂજ હોસ્પિટલ અને આરોગ્ય વિભાગે તત્કાળ અંજારના તાલુકા આરોગ્ય અધિકારીને જાણ કરી પોઝિટિવ આવેલા આ દર્દીના મફતનગર સ્થિત નિવાસસ્થાને જઇ તપાસ કરવા જણાવાયુ હતું. અંજારની ટીમ આ દર્દીના નિવાસસ્થાને પહોંચી હતી પણ દર્દી મળી આવ્યો નહોતો અનેતેનો ફોન પણ બંધ થઈ ગયો હતો.
આ દરમિયાન ભૂજ હોસ્પિટલમાં મુખ્ય માર્ગની સીસીટીવી કેમેરામાં આ દર્દી ભૂજથી એસટી બસમાં ચડયો હોવાની વિગતો સપાટી પર આવી હતી જેને પગલે અંજારમાં વ્યાપક શોધખોળ હાથ ધરાતા આજે સવારે આ યુવાને અંજારના રેલવે સ્ટેશન પરથી મળી આવ્યો છે. હાલે આ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. દર્દી નાસી જવાની આ ઘટનાપગલે જવાબદાર તમામ અધિકારીઓએ પત્રકારો અને માધ્યમોથી દુરી બનાવી લઈને સતત ફોનનો જવાબ પણ આપ્યો નહોતો