કોંગ્રેસે ગાંધીધામથી ખેડૂતોના નામે સરકારી વિભાગોમાં થયેલા વિવિધ કૌભાંડોના વિરોધમાં ટ્રેક્ટર યાત્રાનો પ્રારંભ કર્યો છે. જેમાં 30 ટ્રેક્ટર સાથે આ યાત્રા ગાંધીનગર પહોંચીને કૌભાંડના પુરાવા રાજ્ય સરકારને સોંપશે અને કડક પગલા ભરવાની માગ કરશે.
વર્ષ 2017થી ગુજરાતમાં વિવિધ કૌભાંડો મુદ્દે રાજ્ય સરકાર ઘેરાયેલી છે. ખાસ કરીને મગફળી કાંડમાં રાજ્ય સરકાર તપાસ અને કાર્યવાહી કરવાનો દાવો કરે છે. તે વચ્ચે સંગ્રહિત મગફળીના જથ્થાને ઉંચા ભાવે ખરીદ્યા પછી નીચા ભાવે બજારમાં વેચવા મુકાઈ તે સાથે મગફળી કૌભાંડ વધુ એક વખત ઉજાગર કરી દેવાયું હતું. કોંગ્રેસે મગફળીમાંથી ધૂળ અને ઢેફા પકડી પાડ્યા બાદ પોલીસ અને વહીવટીતંત્રએ રજૂઆત અને માંગણીઓ મુદ્દે કોઈ જ કાર્યવાહી કરી ન હતી.
બીજી તરફ નાફેડના જવાબદારો પણ ચુપ છે, ત્યારે રવિવારે કોંગ્રેસે ગાંધીધામથી ખેડૂત સંવેદના યાત્રાનો પ્રારંભ કર્યો હતો. જેમાં કોંગ્રેસ કિસાન મોરચા સહિત કોંગ્રેસના વિવિધ પાંખના આગેવાનો જોડાયા હતા. કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા અને કિસાન પ્રદેશ પ્રમુખ પાલ આંબલીયાએ યાત્રાને ખુલ્લી મૂકી હતી.
આ યાત્રા ગાંધીધામથી ગાંધીનગર પહોંચશે અને સરકારને પુરાવા સાથે સમગ્ર વિગતો રજૂ કરશે. આ વખતે પણ સરકાર જો પગલા નહીં ભરે અને કૌભાંડીઓને આ વર્ષે તો કોંગ્રેસ કાયદાકીય લડત સાથે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.