- ખાનગી હોસ્પિટલ દ્વારા કરવામાં આવતી લૂંટ અંગે કલેક્ટરને કોંગ્રેસનું આવેદનપત્ર
- ખાનગી હોસ્પિટલ દ્વારા સરકારના પરિપત્રનો ઉલ્લંઘન કારાતો હોવાનો આક્ષેપ
- હોસ્પિટલ દ્વારા બીલ ચૂકવ્યા બાદ જ મૃતદેહ આપવામાં આવે છે: કોંગ્રેસ
કચ્છ: કોરોના કાળમાં હોસ્પિટલોને લઈને લોકો મજબૂર બન્યા છે. ત્યારે, ભુજની ખાનગી જે. કે. હોસ્પિટલના ડૉ સચિન ઠકકર દ્વારા દર્દીઓ પાસેથી મોટી ફી વસૂલવામાં આવી રહી છે. આ ઉપરાંત, ડોક્ટર્સ દ્વારા દર્દીઓ પાસેથી એડવાન્સ પેટે રૂપિયા જમા કરાવીને જ સારવાર શરૂ કરવામાં આવે છે. તેવા આક્ષેપો સાથે ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના જોઇન્ટ કોર્ડીનેટર એચ.એસ.આહીર દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ભુજની મેન્ટલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફની હડતાળ
ખાનગી હોસ્પિટલ દ્વારા સરકારના પરિપત્રનું ઉલ્લંઘન
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ખાનગી હોસ્પિટલ માટે કોરોનાની સારવારના ખર્ચ અંગેના દરો નક્કી કરવામાં આવ્યા હતા. આ પરિપત્ર મુજબ સેગમેન્ટ 1માં ICU વગરની ફેસિલીટીમાં એક બેડના જનરલ રૂમમાં 5700 રૂપિયા અને સ્પેશિયલ રૂમમાં 8075 નક્કી કરવામાં આવ્યા હતાં. તેમજ સેગમેન્ટ 2માં જનરલ રૂમના 6000 રૂપિયા અને સ્પેશિયલ રૂમમાં 8500 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આઇસોલેશન અને ICUના 14500 તેમજ વેન્ટીલેટર ICUના 19000 નક્કી કરવામાં આવ્યા હતા. આ ભાવોમાં ચા નાસ્તો અને 2 ટાઇમ જમવાનું, PPE કીટ, N95 માસ્ક અને તમામ પ્રકારની દવાઓ તેમજ રૂમ ચાર્જ અને નર્સિંગ ચાર્જનો સમાવેશ કરવામાં આવે છે. પરંતુ, જે કે હોસ્પિટલમાં ડોક્ટર સચિન ઠક્કર દ્વારા બેફામ લૂંટ ચલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત, ડોક્ટર્સ દ્વારા એક લાખ રૂપિયા એડવાન્સ પેટે દર્દીઓ પાસેથી વસુલ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા તેવા આક્ષેપો કરવામાં પણ આવ્યા હતા.
બીલ ચૂકવ્યા બાદ જ મૃતદેહ આપવામાં આવે છે
ડોક્ટર દ્વારા તમામ બીલ કેશમાં લાવામાં આવે છે. આ સાથે, કોઈ પાકું બીલ પણ આપવામાં આવતું નથી. તેમજ ડોક્ટર દ્વારા દર્દીઓના સગાઓને દરરોજ બીલ જમા કરાવવા માનસિક ત્રાસ પણ આપવામાં આવી રહ્યો છે. આમ, હોસ્પિટલમાં ચાલતા મેડિકલ સ્ટોરમાં પણ મોટા પાયે લૂંટ કરાઈ રહી છે. દર્દીઓને મેડિકલમાંથી આપવામાં આવતી દવાઓના કોઈ બિલ પણ આપવામાં આવતા નથી. આ હોસ્પિટલમાં કોઈ કોરોનાના દર્દી અવસાન પામે તો તમામ બિલ આપ્યા બાદ જ તેમના મૃતદેહને સગાઓને આપવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: ભુજમાં શેરી ફેરિયાએ કલેક્ટર કચેરી ખાતે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ
ડોકટર સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવા કરાઈ માંગ
તાત્કાલિક ધોરણે હોસ્પિટલ વિરૂદ્ધ પગલા લેવામાં આવે જેથી દર્દીઓ પાસેથી થતી લૂંટ અટકાવી શકાય. આ ઉપરાંત, સરકારના પરિપત્રના ઉલ્લંઘનના કારણે ડોક્ટર સામે ફોજદારી ફરિયાદ દાખલ કરી હોસ્પિટલને સીલ કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી.