- 28 ફેબ્રુઆરીથી મતદાન હોવાથી આચારસંહિતા લાગુ
- અધિનિયમ 1973ની કલમ 144 અંતર્ગત ફરમાન જાહેર કર્યું
- 200 મીટરના વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓ એકઠી નહીં થઈ શકે
કચ્છ : રાજ્ય ચૂંટણી આયોગ તરફથી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી 2021ની તારીખ જાહેર કરી દેવાઈ છે. જેમાં 28 ફેબ્રુઆરીથી મતદાન થવા જઈ રહ્યું છે. તેથી આદર્શ આચાર સંહિતાના અનુસંધાને જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે સચિવ અને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર તરફથી જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. આના આધારે પ્રવિણ ડી.કે, IAS જીલ્લા મેજીસ્ટ્રેટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ 144 અંતર્ગત સત્તાના આધારે નીચે મુજબ ફરમાન જાહેર કર્યું છે. જેમાં તમામ ગાઈડલાઈન મતગણતરી મથકોની આસપાસ અને તેના 200 મીટરના વિસ્તારમાં લગાવવવામાં આવી છે.
મતગણતરી મથક અને તેના 200 મીટરના વિસ્તારમાં સભા ભરી શકાશે નહીં
મતગણતરી મથકોની આસપાસ 2 માર્ચના દિવસે મતગણતરી કરવામાં આવશે. બીજી માર્ચે 12 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી મતગણતરી મથક અને તેની 200 મીટરના વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓ એકઠી થઈ શકશે નહીં. કોઈપણ વ્યક્તિ આ વિસ્તારમાં મોબાઈલ ફોન, વાયરલેસ સેટ, કોર્ડલેસ ફોન કે સંદેશા વ્યવહારના કોઈ પણ સાધનો કે અન્ય કોઈ ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જઈ શક્શે નહિ.
હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ સજાપાત્ર
આ હુકમ ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત ઓબ્ઝર્વર, ચૂંટણી ફરજ પરના સરકારી કર્મચારી/અધિકારીઓ તથા ચૂંટણી ફરજ પરના વાહનો, ચૂંટણી અધિકારી અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અથવા પોલીસ અધિક્ષક અધિકૃત કરે તેવા વ્યક્તિઓને લાગુ પડશે નહીં. આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ શિક્ષાત્મક પોલીસ કાર્યવાહી કરવાને પાત્ર ઠરશે. તેમજ દોષિત જાહેર થનારને એક માસની સાદી કેદ અથવા રૂપિયા 200નો દંડ અથવા બન્ને સજા થઈ શકશે.