અંજારઃ જિલ્લા પંચાયત પશુપાલન વિભાગ દ્વારા આયોજિત પશુપાલન શિબિરના પ્રારંભે રાજ્યપ્રધાન વાસણભાઇ આહીરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કૃષિની સાથોસાથ પશુપાલન ક્ષેત્રનું મહત્વ સમજીને પશુપાલન ક્ષેત્રે અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મુકી છે. આ યોજનાઓ થકી કચ્છમાં આઠ ટકા જેટલા પશુધનની વૃદ્ધિ પણ થઇ છે. જે દર્શાવે છે કે કચ્છમાં પશુપાલન વ્યવસાય વિકસી રહ્યો છે. કચ્છ જિલ્લામાં 20 લાખનું પશુધન અને પશુપાલન થકી જ સરહદ ડેરી વર્ષે 600 કરોડ રૂપિયાનો નફો કરી રહી છે તેનો સમગ્ર શ્રેય માલધારી અને પશુપાલકોને જાય છે.
તેમણે વધુમાં કહ્યું કે, કચ્છ જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે કચ્છી માલધારી અને પશુપાલકોએ શ્વેત ક્રાંતિનું સર્જન કરી પશુપાલન ક્ષેત્રને વધુ ઉન્નત બનાવ્યું છે. પશુપાલન શિબિર થકી માલધારી સમાજ અત્યાધુનિક પશુપાલન તરફ વળે અને પશુપાલન એ પુણ્યશાળી વ્યવસાય હોઇ મહિલાઓને પણ આ ક્ષેત્રે આગળ આવવા અનુરોધ કર્યો હતો. સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડી આંગળી ચીંધ્યાનું પુણ્ય મેળવવા પણ સૌને અપીલ કરી હતી.
નાયબ પશુપાલન અધિકારી દ્વારા પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરી નફાકારક રોજગારીમાં યુવાનોને પણ આગળ આવવા અપીલ કરી હતી. પશુઓનું યોગ્ય સંવર્ધન કરી પશુદીઠ ઉત્પાદન ક્ષમતા વધારવા પર ભાર મુકી કચ્છમાં દુધના ઉત્પાદનમાં બેથી અઢી ગણો વધારો નોંધાયો હોવાની માહિતી પણ શિબિરાર્થીઓને આપી હતી. મદદનીશ પશુપાલન અધિકારી એચ.એન. ઠક્કર દ્વારા પશુપાલકોને સરકાર દ્વારા આઇ-ખેડૂત પોર્ટલ પર કાર્યરત ૩૯ પ્રકારની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
શિબિરમાં પશુ ડૉક્ટર, પશુપાલન અધિકારીઓ દ્વારા પશુપાલકોને પશુ સંવર્ધન, પોષણ, આરોગ્ય, કૃત્રિમ બીજદાન, પશુ રોગોના લક્ષણ, નિદાન અને ઉપાય તેમજ પશુઓની માવજત, રસીકરણ, સરકારી યોજનાઓની માહિતી, ઘર ગથ્થુ ઇલાજ-ઉપચાર અંગે પણ માહિતીગાર કરી પશુપાલન ક્ષેત્રમાં વધુમાં વધુ રોજગારી આપવાની ક્ષમતા હોવાનું જણાવી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતા આ વ્યવસાયને આધુનિક ઢબે આગળ ધપાવવા અનુરોધ કર્યો હતો. માલધારીઓ માટે પશુપાલન અંગેની માહિતી આપતાં સ્ટોલ, સાહિત્ય વિતરણ, શ્રમયોગી માન ધન યોજનામાં જોડાવા માટે વિશેષ સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં હતાં.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહજી સોઢા, અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ ગોવિંદભાઇ ડાંગર, જિલ્લા પંચાયતના સદસ્ય મ્યાજરભાઇ, સંગઠનના પદાધિકારીઓ અગ્રણીઓ શિબિરમાં ઉપસ્થિત રહ્યાં હતાં.