- કચ્છ જિલ્લામાં રોગચાળાનો હાહાકાર
- મચ્છરજન્ય બિમારીએ માથું ઉંચકતા તંત્ર એલર્ટ
- ભુજમાં 95 ટીમોને મેદાને ઉતારી સર્વે કરાયો
કચ્છ: જિલ્લામાં ડેન્ગ્યુ (dengue)ના 84, ચિકનગુનિયા (chikungunya)ના 12 અને મેલેરિયા (malaria)ના 258 પોઝિટિવ કેસો નોંધાતા તંત્ર એલર્ટ બન્યું છે. જે અંતર્ગત જિલ્લા આરોગ્ય તંત્ર (district health department) દ્વારા જિલ્લામાં 3 રાઉન્ડમાં મચ્છર નિયંત્રણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના નિયંત્રણ માટે સમયસર નિદાન અને વહેલી સારવારની સાથે પ્રત્યેક ઘરની મુલાકાત અને ખાસ કરીને મચ્છરના સંભવિત ઉત્પત્તિ સ્થાનો શોધીને સલામત બનાવવાની સાથે પોરા નાશક વ્યાપક કામગીરી તેના હેઠળ કરાઈ છે.
મચ્છર ઉત્પત્તિને રોકવા માટેની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી
ભુજમાં 95 ટીમોને મેદાને ઉતારાતા સર્વે કરવામાં માટેનો ધમધમાટ હાથ ધરાયો છે. આ અંગેની વિગતો મુજબ શહેરી વિસ્તારોમાં ડેન્ગ્યુ રોગના પ્રમાણને ધ્યાને લઇ ભુજ શહેરમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં 95 ટીમો બનાવી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ એપેડેમિક મેડિકલ ઓફિસર અને જિલ્લા મેલેરિયા અધિકારીના સીધા સુપરવિઝન હેઠળ ફીવર સર્વેલન્સ, મચ્છર ઉત્પત્તિ અટકાયત માટે પોરાનાશક કામગીરી અને આરોગ્ય શિક્ષણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે.
કોઈ વ્યક્તિ કે સંસ્થા જરૂરી સહકાર ન આપે તો કરાશે કાર્યવાહી
આ ઉપરાંત જિલ્લાના અન્ય શહેરી વિસ્તારોમાં પણ ટીમો બનાવી ઘનિષ્ઠ ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં કોઈપણ વ્યક્તિ કે સંસ્થા મચ્છર ઉત્પત્તિ અટકાવવાના સંદર્ભમાં જરૂરી સહકાર ન આપે તો તેવા સંજોગોમાં ‘ગુજરાત વેક્ટર બોન્ડ ડીસિઝ રેગ્યુલેશન 2017’ના જાહેરનામાની જોગવાઈ મુજબ નોટિસ પાઠવી અને દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
લોકોને જાગૃત કરવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે
આરોગ્ય વિભાગના આશિષભાઈએ વિગતો આપતા જણાવ્યું કે, ભુજ શહેર તેમજ તાલુકામાં મચ્છરજન્ય બિમારીએ માથું ઉંચકતા ભુજ બ્લોક હેલ્થ ઓફિસ તરફથી 95 ટીમો બનાવી ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ટીમોમાં સુપરવાઈઝર, MPW સહિતના કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મચ્છરોના ઉપદ્રવથી મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનીયા થતા હોઈ લોકોને જાગૃત કરવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે.
13,0361 ઘરોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાન મળ્યા
મચ્છર ઉત્પત્તિ અટકાવવા માટે દર રવિવારે 'ડ્રાય ડે' ઉજવવા પણ લોકોને જણાવાઈ રહ્યું છે. શહેરના ગાંધીનગરી, શાંતિનગર તેમજ કેમ્પ વિસ્તાર જેવા ઝુંપડપટ્ટી એરિયામાં ખાસ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. જિલ્લા તંત્ર વિભાગને સર્વેક્ષણ દરમિયાન 13,0361 ઘરોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાન મળ્યા છે. ઘરોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મળી આવતા પોરા નાશક કામગીરી દ્વારા અને સલામત બનાવવાની સાથે લોકોને મચ્છર ઉત્પત્તિ અટકાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા આરોગ્ય તંત્રનો લોકોને તકેદારીના જરૂરી પગલા લેવા અનુરોધ
ઉપરાંત આરોગ્ય તંત્ર દ્વારા 6 લાખથી વધુ વસ્તી અને 1 લાખથી વધુ ઘરોને આવરી લઇને આ વ્યાપક કામગીરી કરાઈ છે. 4.30 લાખથી વધુ પાણી ભરવા માટે ઉપયોગમાં લેવાતા પાત્રોની તપાસ કરીને 1,893થી વધુ મચ્છર ઉત્પત્તિ સ્થળોને સલામત બનાવ્યા હતા. તેની સાથે ઘર તપાસ દરમિયાન મળી આવેલા તાવના કેસોમાં લેબોરેટરી તપાસ માટે 3,044 લોકોના લોહીના નમુના લઈને પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય તંત્રએ લોકોને મચ્છરોની ઉત્ત્પત્તિ અટકે તે માટે તકેદારીના જરૂરી પગલા લેવા અનુરોધ કર્યો છે.