કચ્છ : તાજેતરમાં જ આવેલા બિપરજોય વાવાઝોડાના કારણે જિલ્લામાં અનેક સ્થળે હજારો વૃક્ષો ધરાશાયી થયા હતા. વાવાઝોડા બાદ ફોરેસ્ટ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ ફાયર વિભાગ દ્વારા જમીનદોસ્ત થયેલા વૃક્ષો કાપીને દૂર કરવામાં આવ્યા હતા. તો બીજી બાજુ સેવાકીય સંસ્થા ભૂતનાથ મહાદેવની ખિસકોલી સેનાએ અનોખું સેવાકાર્ય કર્યું છે. ખિસકોલી સેનાએ ભુજના વિવિધ વિસ્તારોમાંથી ઝાડના લાકડા એકત્રિત કરીને ભૂતનાથ સાર્વજનિક સ્મશાનમાં લઈ જવામાં આવ્યા હતા. આ લાકડા આગામી 2 થી 3 વર્ષ માટે ઉપયોગી બનશે.
અનોખો સેવાયજ્ઞ : ભુતનાથ સેવા સંસ્થાના સ્વયંસેવક અજીત પરમારે જણાવ્યું હતું કે, 15 જૂને કચ્છ પર ત્રાટકેલા બિપરજોય વાવાઝોડાએ ઠેર ઠેર તબાહી સર્જી હતી. જેમાં વીજપોલ, વૃક્ષો, કાચા મકાનો ધરાશાયી થયા હતા. સમગ્ર કચ્છમાં હજારોની સંખ્યામાં વર્ષો જૂના વૃક્ષ જમીનદોસ્ત થયા હતા. ત્યારે ભુજની ભૂતનાથ મહાદેવ સંસ્થાની ખિસકોલી સેનાએ વિવિધ વિસ્તારમાંથી પડી ગયેલા વૃક્ષોનું લાકડું એકત્ર કર્યું હતું. આ લાકડા ભૂતનાથ સાર્વજનિક સ્મશાનમાં ઉપયોગ માટે લઈ જવામાં આવ્યા હતા.
ભુજની સેવાભાવી સંસ્થાને અનેક સ્થળો પરથી લાકડા લઈ જવા માટે ફોન કરવામાં આવ્યા હતા. દસ દિવસના સમયગાળા દરમિયાન શક્તિ એવી ભક્તિ મુજબ 20 ટ્રેકટર અને 20 છોટા હાથી ટેમ્પો જેટલું લાકડું ભુજના વિવિધ વિસ્તારમાંથી ભેગું કરવામાં આવ્યું હતું. જે લાકડા આગામી બે-ત્રણ વર્ષ સુધી સ્મશાનની જરૂરિયાત માટે ઉપયોગી બની રહેશે.-- અજીત પરમાર (સ્વયંસેવક, ભુતનાથ સેવા સંસ્થા)
લાકડાનો સ્મશાનમાં સંગ્રહ : અજીત પરમારે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ સેવામાં શહેરના સરદારનગર, હિલ વ્યૂ, હિરાણી નગર, વિજયનગર, પ્રમુખસ્વામી નગર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, માતૃછાયા વિદ્યાલય, લાલન કોલેજ, કેમ્પ વિસ્તાર, તાલુકા પોલીસ લાઇન, જલારામ સોસાયટી, લોટસ કોલોની, સીતારામ પરિવાર વાયડા કોલોની વગેરે વિસ્તારમાંથી લાકડું એકત્રિત કરવામાં આવ્યું હતું. સેવાભાવી સંસ્થા ભૂતનાથ મહાદેવની ખિસકોલી સેનાને ફોન આવ્યા હતા તે તમામ વિસ્તારમાંથી લાકડા એકત્રિત કરીને સ્મશાનમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે.
ખિસકોલી સેના : આ સેવાકીય કાર્યમાં જોડાયેલા લોકોની ટીમને ખિસકોલી સેના નામ આપવામાં આવ્યું હતું. ભગવાન રામને લંકા જવા માટે ખિસકોલી પણ પુલના નિર્માણમાં નાનામાં નાનું યોગદાન આપ્યું હતું. તે રીતે આ વાવાઝોડામાં કંઈક મોટું કાર્ય ન થઈ શકે તેવું શક્ય છે. પરંતુ વાવાઝોડા બાદ ધરાશાયી અથવા નડતરરૂપ વૃક્ષોને કાપીને સ્મશાન માટે લઈ આવવામાં આવ્યા છે. આ કાર્ય માટે યોગદાન આપ્યું છે તેને કારણે આ ટીમનું નામ ખીસકોલી સેના રાખવામાં આવ્યું છે. આ સમગ્ર સેવા કાર્ય દરમિયાન વિવિધ વિસ્તારના સેવાભાવી નાગરિકો, મકાન માલિક, સોસાયટીના હોદ્દેદારો જોડાયા હતા. ખિસકોલી સેનામાં તેઓએ પોતાના સંજોગો મુજબ સમય કાઢીને શ્રમદાન કરીને સેવા આપી હતી.