- ભુજની ખાનગી શાળાની અનોખી પહેલ
- શિશુમંદિરથી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓને નિઃ શુલ્ક શિક્ષણ અપાશે
- કોરોનાની મહામારી વચ્ચે વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ
કચ્છ: ભારતીય પરંપરામાં શિક્ષણ મનુષ્યના જીવન ઘડતરની પ્રક્રિયાનું નામ છે. આપણા દેશમાં વર્ષો સુધી શિક્ષણ સમાજ આધારિત હતું, પરંતુ અંગ્રેજોની ચાલાકીથી તે સરકાર આધારે જ બન્યું અને ધીરે-ધીરે આજની પરિસ્થિતિ એવી ઊભી થઈ. જેમાં શિક્ષણ વેપારનું મોટું સાધન બની ગયું. સરકારી શાળાઓના પ્રભાવહીન શિક્ષણના પરિણામે અને ખાનગી સંસ્થાઓની ફીનાં ધોરણોના કારણે શિક્ષણ ધીરે-ધીરે સામાન્ય લોકોની પહોંચ બહાર થતું જાય છે.
કોરોનાની મહામારી વચ્ચે વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ
વર્તમાન સમયમાં કોરોનાની મહામારી એ સામાન્ય લોકોના જીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે હજારો લોકોએ પોતાના ધંધા-રોજગાર ગુમાવ્યા છે. અનેક લોકો પોતાના ઘરબાર છોડી અન્ય સ્થળ તરફ જવા મજબૂર થયા છે. સારી ખાનગી શાળાઓ ફીમાં રાહત આપવા તૈયાર નથી. આવી સ્થિતિમાં સામાન્ય પરિવારના બાળકોને ભવિષ્ય સામે પ્રશ્નો ઉભા થયા છે. માટે આવા સંજોગોને ધ્યાનમાં રાખીને એન્કરવાલા સ્કૂલ દ્વારા શિશુ મંદિરથી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આગામી એક વર્ષ માટે વિદ્યાલયમાં નિ:શુલ્ક ધોરણે ભણાવવામાં આવશે.
આ પણ વાંચો: વિદ્યાર્થીઓના L.Cમાં લખાશે Mass Promotion, શિક્ષણ વિભાગે કરી જાહેરાત
વાર્ષિક 6,000થી 8,000 જેટલી ફી માફ
આ નિર્ણયના કારણે અનેક પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. અને શાળાના આ નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે. અહીં શાળામાં અભ્યાસ કરતા અંદાજિત 300 જેટલા વિદ્યાર્થીઓની ફી માફ કરી દેવામાં આવી છે. 6,000થી 8,000 રૂપિયા સુધીની વાર્ષિક ફી માફ કરી અનોખી પહેલ સાથે સ્કૂલનો ખર્ચ હવે સંસ્થા પોતે ભોગવશે. અને ગત વર્ષની ફી પણ લોકડાઉન અને કોરોનાના કારણે મોટા ભાગની જતી કરી હતી. જ્યારે આ વર્ષે પણ માફ કરી છે.
કુલ 900 જેટલા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ આપવા વિદ્યાલયની તૈયારી
આ ઉપરાંત ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ આ શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. માટે આ શાળામાં અગાઉ અભ્યાસ કરતા 300 વિદ્યાર્થીઓ ઉપરાંત 200 અન્ય વિદ્યાર્થીઓ મળીને કુલ 500 જેટલા તથા અન્ય ભવનમાં અન્ય 400 મળીને કુલ 900 જેટલા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ધોરણે ભણાવવા માટેની તૈયારી દર્શાવી છે.
આ પણ વાંચો: શિક્ષણ સહાયક ભરતી -2021 હેઠળ 2938 શિક્ષકોની નિમણુંક
જાણો શું કહ્યું વાલીએ?
એક વાલીએ જણાવ્યું હતું કે, હાલ આ કોરોનાકાળમાં લોકો આર્થિક ભીંસમાં મુકાયા છે. ત્યારે બાળકોને ઉત્તમ શિક્ષણ આપવું જરૂરી બન્યું છે. ત્યારે હું બીજી ઘણી બધી શાળાઓની ફી અંગે તપાસ કરી રહ્યો હતો. અને બીજા બધા ખર્ચ પણ જોઈ રહ્યો હતો ત્યારે મને આ વિદ્યાલયના આ પહેલ વિશે જાણ થઈ અને મને એક બે જગ્યાએ થી વિદ્યાલય અંગેના અભિપ્રાય પણ મળ્યા અને મે અહીં મારી દીકરીનું એડમિશન કરાવ્યું છે.
સમાજ શ્રેષ્ઠીઓના આધારે અમે વિદ્યાર્થીઓને નિ:શુલ્ક શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો
ભુજની એન્કરવાલા વિદ્યાલયના ટ્રસ્ટી નવીનભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, સમાજનું કોઈપણ બાળક પરિવારની નબળી આર્થિક સ્થિતિના કારણે સારા શિક્ષણથી વંચિત ન રહે તે માટે સમાજ શ્રેષ્ઠીઓના આધારે અમે વિદ્યાર્થીઓને નિ:શુલ્ક શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો હતો. આ સમગ્ર ગુજરાતનો પ્રથમ પ્રયોગ છે કેટલીક સંસ્થાઓ માત્ર નજીવી ફી લઈને સંસ્થા ચલાવે છે, પરંતુ સંપૂર્ણ સમાજ આધારિત બિલકુલ નિ:શુલ્ક શિક્ષણ આપવાના પ્રથમ પ્રયોગ બનવા જઈ રહ્યો છે અને આ સમાજ ઉપયોગી કાર્યમાં દાતાઓનો તથા સમાજ શ્રેષ્ઠીઓનો સહયોગ મળતો રહેશે તેવી અપેક્ષા છે અને આ પ્રયોગને અમે આગળ પણ ચાલુ રાખવાની ઈચ્છા ધરાવીએ છીએ.