ભુજ: ભુજ તાલુકા પંચાયતનું (General Meeting of Bhuj Taluka Panchayat) સ્વ ભંડોળ બજેટની તા.1/4/2022ની સંભવિત ઉંઘડતી સિલક રૂપિયા 11.68 કરોડ છે. તેમજ વર્ષ 2022-23 દરમિયાન સંભવિત આવક રૂપિયા 12.66 કરોડ છે. જ્યારે સંભવિત ખર્ચ રૂપિયા12.4 કરોડ છે. ઉપરાંત વિવિધ ક્ષેત્રે કરેલ આવક તથા ખર્ચની જોગવાઇઓ આ સાથે મૂળ અંદાજપત્રમા પણ સમાવવામાં આવી છે.
ભુજમાં સામાન્ય સભામાં વર્ષ 2022-23નું અંદાજપત્ર રજૂ કર્યું
ભુજ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં તાલુકા પંચાયતના પ્રમુખ મંજુલાબેન ભંડેરીએ ભુજ તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ, કારોબારી ચેરમેન, સામાજીક ન્યાય સમિતિ ચેરપર્સન, શાસકપક્ષના નેતા, દંડક, વિરોધપક્ષના નેતા તેમજ ભુજ તાલુકાનાં સદસ્યોની હાજરીમાં વર્ષ 2022-23નું અંદાજપત્ર રજૂ કર્યું હતું.
સામાન્ય વહીવટી ક્ષેત્રે 73.32 લાખની જોગવાઈઓ કરવામાં આવી
ભુજ તાલુકા પંચાયતના વર્ષ 2022-23ના અંદાજપત્રમાં વિવિધ ક્ષેત્રે આવક તથા ખર્ચની જોગવાઇ પણ કરવામાં આવી છે. જેમાં સામાન્ય વહીવટી ક્ષેત્રે 73.32 લાખ, બાંધકામ ક્ષેત્રે 8.81 કરોડ, શિક્ષણ ક્ષેત્રે 3.85 લાખ, આરોગ્યક્ષેત્રે 13.25 લાખ, ખેતીવાડી ક્ષેત્રે 6.45 લાખ, પશુપાલન ક્ષેત્રે 1.15 લાખ તથા આંકડા ક્ષેત્રે 15 હજારની જોગવાઇ કરવામાં આવી છે.
અંદાજપત્રમાં જુદા જુદા ક્ષેત્રે જોગવાઈઓ કરવામાં આવી
આ ઉપરાંત સમાજ કલ્યાણ ક્ષેત્રે 2.70 લાખ, કુદરતી આફત ક્ષેત્રે 23.35 લાખ, નાની સિંચાઇ ક્ષેત્રે 1.50 લાખ ,પંચાયત અને વિકાસ ક્ષેત્રે 2.64 લાખ, સહકારી ક્ષેત્રે 10 હજાર તથા વર્ગ-4 ફૂડ એડવાન્સ તથા ફેસ્ટીવલ એડવાન્સ ક્ષેત્રે 10 હજારની જોગવાઇ કરવામાં આવી છે.
આ પણ વાચો: ભુજ નગરપાલિકાના વોર્ડ નં-4માં પ્રાથમિક સુવીધાઓનો અભાવ
વિપક્ષે અનેક આક્ષેપો અને પ્રશ્નો કર્યા
ઉપરાંત વિપક્ષે અનેક સવાલો સાશક પક્ષને પૂછ્યા હતા, પરંતુ કોઈ પણ સંતોષકારક જવાબ આપવામાં નથી આવ્યા તેવું વિરોધ પક્ષના નેતા અનિલભાઈ આહિરે જણાવ્યું હતું. ઉપરાંત અનેક મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ભુજ તાલુકા પંચાયતમાં સ્ટાફની ઘટ્ટ છે, ત્યારે લોકોને આ ઘટના કારણે અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે. પંચાયત ખાતે ધક્કા ખાવા પડે છે. ઉપરાંત ભુજ તાલુકામાં 159 શિક્ષકોની પણ ઘટ છે તો અમુક સ્થળોએ શિક્ષકોની વધ પણ છે. શિક્ષકોને શા માટે અન્ય સ્થળોએ જ્યાં ઘટ છે ત્યાં મૂકવામાં નથી આવતા આ પ્રશ્નનો જવાબ તાલુકા પંચાયત આપી શકી નથી તેવો આક્ષેપ વિરોધ પક્ષના નેતાએ કર્યો હતો.
આ પણ વાચો: કચ્છ જિલ્લા પંચાયત તથા ભુજ તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારોએ રેલી યોજી
વિપક્ષના પ્રશ્નોનું નિરાકરણ આગામી સામાન્ય સભા સુધીમાં કરવામાં આવશે
ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ મંજુલાબેન ભંડેરીએ જણાવ્યું હતું કે, આજે ભુજ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં 2022-2023 સ્વ-ભંડોળનું 11.94 કરોડની પુરાંતવાળું તથા એકંદર 25.46 કરોડની પુરાંતવાળું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. વિપક્ષ દ્વારા જે આક્ષેપો કરાયા છે અને તેમના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ આગામી સામાન્ય સભા સુધીમાં કરવામાં આવશે.