ભુજ: તારીખ 18મી એપ્રિલ થી 26 એપ્રિલ સુધી ભુજ શહેરની ભાગોળે મીરઝાપર રોડ નજીક 222 એકરમાં બદ્રિકાશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં જુદા જુદા વિશાળ 35 ડોમનું નિર્માણ કરવામાં આવ્યું છે. જુદા જુદા પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યા છે. જેમાં ગૌ મહિમા પ્રદર્શન, બદ્રિકા વન અને સફળતા મંત્ર દર્શન પ્રદર્શનીમાં 6 લાખથી પણ વધારે લોકોએ મુલાકાત લીધી છે.
વિશાળ પોથીયાત્રા યોજાઈ: માનવ દિવસના આ મહોત્સવની પૂર્વ સંધ્યાએ આજે ભુજની પ્રિન્સ રેસીડેન્સી હોટલ સામેથી મીરઝાપર રોડ સુધી વિશાળ પોથીયાત્રા યોજાઈ હતી. આ પોથીયાત્રામાં સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મકુળ પરિવાર, 2000 થી વધુ જુદા જુદા સંપ્રદાયના સંતો 3000 થી વધારે સાંખ્ય યોગી બહેનો જોડાયા હતા. દેશ વિદેશથી હજારોની સંખ્યામાં હરિભક્તો પણ આ પોથીયાત્રામાં જોડાયા હતા. આ મહોત્સવમાં 30 લાખથી વધુ હરિભક્તો જોડાશે. તેમજ 25,000 થી વધારે એનઆરઆઇ હરિભક્તો ઉપસ્થિત રહેશે.
ભુજ બન્યુ ભક્તિમય: 108થી પણ વધારે ગામડાની ભજન મંડળીઓ જોડાઈઆ ભવ્ય પોથીયાત્રાની વાત કરવામાં આવે તો 200 થી વધારે શણગારેલા વાહનોના સ્લોટ, 30 થી પણ વધારે જુદી જુદી બેન્ડ પાર્ટીઓ, 108થી પણ વધારે ગામડાની ભજન મંડળીઓ જોડાઈ હતી. ભગવાન સ્વામિનારાયણ તેમજ નરનારાયણ દેવના મંત્રોચ્ચાર અને ભજન કીર્તન સાથે આ ભવ્ય પોથી યાત્રા યોજાઇ હતી. સમગ્ર પોથી યાત્રા દરમિયાન ભુજના હાઇવે પર ભક્તિમય માહોલ સર્જાયો હતો.વાજતે ગાજતે નીકળેલી પોથીયાત્રા માં કેન્યા અને યુકે ની બેન્ડપાર્ટીએ રંગ રાખ્યો હતો. લેજીમના દાવો જોઈ લોકો મંત્રમુગ્ધ થયા હતા.
મોટી સંખ્યામાં હરિભક્તો: અંદાજીત બે કિમી લાંબી આ પોથીયાત્રામાં 2000 પોથીઓ સાથે મોટી સંખ્યામાં એનઆરઆઇ સહિતના હરિભક્તો જોડાયા હતા. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સંગીતની સુરાવલી સાથે વાજતેગાજતે નીકળેલી પોથીયાત્રામાં કેન્યા અને યુકે પ્રદેશની બેન્ડ પાર્ટીએ કામણ પાથર્યા હતા. બાળકો અને યુવાનો દ્વારા રજૂ કરવામાં આવેલા લેજીમના દાવે પણ આકર્ષણમાં વધારો કર્યો હતો. ચાર ઘોડા સાથેના રથમાં બિરાજમાન નરનારાયણ દેવ, ગરુડ વાહન ઉપર મહંત સ્વામી આદિ સંતો, જયારે ફરતા કમળ ઉપર ભગવાન સ્વામિનારાયણના ફ્લોટે આકર્ષણ જગાવ્યું હતું. પોથી યાત્રાના પ્રારંભમાં સંતો સાથે મોટી સંખ્યામાં લોકો ધજા સાથે જોડાતા રસ્તા ઉપર અનોખો માહોલ જોવા મળ્યો હતો.