કચ્છ: સમગ્ર એશિયામાં પૌષ્ટિક ઘાસ માટે જાણીતા બન્નીના ઘાસિયા મેદાનો ચાલુ સીઝનમાં સારા વરસાદને પગલે ભારે હર્યા-ભર્યા બન્યાં છે. બન્ની ગ્રાસલેન્ડ જેવો પ્રદેશ ક્યાંય નથી અહીં 56 પ્રકારના ઘાસોનુ ઉત્પાદન કરવામાં આવે છે. આગામી સમયમાં બન્ની ગ્રાસલેન્ડ વિભાગ દ્વારા ઘાસ કાપણીની કામગીરી શરૂ કરવામાં આવશે. ઉનાળામાં રણ જેવો જ લાગતો આ સુકો પ્રદેશ ચોમાસામાં સારા વરસાદના કારણે જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા આકાશી દ્રશ્યો સર્જાયા છે.
લાખો કિલો ઘાસનું ઉત્પાદન: વન વિભાગ દ્વારા આ બન્નીના ઘાસિયા મેદાનમાં ચોમાસા પૂર્વે ઘાસનું વાવેતર કરવામાં આવે છે. ચોમાસામાં સારો વરસાદ વરસતા આ ઘાસિયા મેદાનમાં દર વર્ષે લાખો કિલો ઘાસનું ઉત્પાદન થાય છે. ગત વર્ષે પણ સારા વરસાદના કારણે બન્નીના ઘાસિયા મેદાનમાં લાખો કિલોગ્રામ ઘાસનું ઉત્પાદન થયું હતું. ગત વર્ષે આઠ લાખ કિલોગ્રામ ઘાસ વન વિભાગ દ્વારા સરકારી ગોડાઉનમાં સાચવવામાં આવ્યું હતું. તો લગભગ 20 લાખ કિલો જેટલું ઘાસ આસપાસના ગ્રામજનોને આપવામાં આવ્યું હતું.
ડ્રોનની નજરે અદભુત નજારો: સારા વરસાદથી હાલ બન્નીમાં મબલખ ઘાસ હોતા પશુઓને ભૂખમરો નહીં આવે. બન્નીમાં માનવવસ્તીથી પશુધન બમણું છે. આમ તો બન્ની વિસ્તાર હિજરત માટે જાણીતો છે,કારણ કે આ વિસ્તારમાં અનેક વખત દુકાળ હોય છે તો ક્યારેક વર્ષ સારું હોય છે. ચાલુ વર્ષે ભારે વરસાદ બાદ ડ્રોનની નજરે બન્નીનું ઘાસિયું મેદાન રમણીય લાગી રહ્યું છે.
બન્ની ગ્રાસલેન્ડનો વિસ્તાર અનામત જંગલ તરીકે સુરક્ષિત: બન્ની ગ્રાસલેન્ડના લગભગ 3847 ચો.કિ.મી.માં પથરાયેલ ઘાસિયા મેદાનોમાં સારા વરસાદના પગલે પુષ્કળ ઘાસ લહેરાઇ રહ્યું છે. બન્ની ગ્રાસલેન્ડનો વિસ્તાર અનામત જંગલ તરીકે સુરક્ષિત જાહેર થયાં પછી તેનો કબજો બન્ની ગ્રાસલેન્ડ વિભાગ હસ્તક છે. બન્ની ગ્રાસલેન્ડ વિભાગના નાયબ વન સંરક્ષક બી.એમ પટેલના માર્ગદર્શન હેઠળ બન્ની વિસ્તારમાં ખૂબ જ સારા પ્રમાણમાં ઘાસનું વાવેતર અને ઉત્પાદન થઈ રહ્યું છે.
" દર વર્ષે બન્ની ઘાસ સુધારણા પ્રોજેક્ટ અંતર્ગત ઘાસનું વાવેતર કરવામાં આવ્યું હોય છે. ગત વર્ષે 2400 હેક્ટરમાં વાવેતર કર્યુ હતું. આ વર્ષે 1300 હેક્ટરમાં રિસ્ટોરેશન કરવામાં આવ્યું છે. ઘાસના વિતરણની વાત કરવામાં આવે તો ગત વર્ષે સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરાયું હતું કે જેમાં વનવિભાગ દ્વારા ઘાસનું હાર્વેસ્ટિંગ થાય તેના સિવાયનો ઘાસ આજુ બાજુના ગામના માલધારીઓ વિનામૂલ્યે પોતે કાપીને લઈ જઈ શકે છે. તો ગત વર્ષે 20 લાખથી પણ વધુ ઘાસનું વિતરણ કરવામાં આવ્યું હતું.ત્યારે ચાલુ વર્ષે આ આંકડો બમણો થઈ શકે છે તેવી સંભાવના રહેલી છે." - બી.એમ.પટેલ, નાયબ વન સંરક્ષક
માલધારીઓને ઘાસનું વિતરણ: હાલમાં આવેલ બિપરજોય વાવાઝોડામાં સૂચના મળી એ પ્રમાણે માલધારીઓને ઘાસનું વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છ જિલ્લાના બન્ની વિસ્તારમાં વનવિભાગના જે ગોડાઉન છે તેમાંથી પાંચ લાખ કિલોથી પણ વધારે ઘાસ સ્થાનિકોને આપવામાં આવ્યું છે. ચાલુ વર્ષે સરકારની સૂચના પ્રમાણે ઢોર દીઠ 4 કિલોગ્રામ દૈનિક અને એક અઠવાડિયા સુધી એવા 5 ઢોર મહત્તમ સંખ્યામાં એક ઘાસકાર્ડ ધારક પર વિતરણ કરવામાં આવ્યું છે અને મહત્વની વાત એ છે કે પહેલી વાર એવું થયું છે કે સ્થાનિકોને પોતાના જ વિસ્તારના ઘાસ મળ્યા છે.
ભુજ તાલુકામાં 26 ઇંચ જેટલો વરસાદ: વનવિભાગના અધિકારીના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે બન્નીમાં 1300 હેક્ટર વિસ્તારમાં ઘાસનું રિસ્ટોરેશન કરવામાં આવ્યું છે. આ વર્ષે ગત વર્ષની સરખામણીએ અનેક ઘણું ઉત્પાદન થશે તેવી વન વિભાગને આશા છે. ચાલુ વર્ષે સમગ્ર જિલ્લામાં સીઝનનો સૌથી સારો વરસાદ નોંધાયો છે. જિલ્લાના વાર્ષિક સરેરાશ 18.54 ઇંચ વરસાદ સામે આ વર્ષે 23.64 ઇંચ વરસાદ વરસ્યો છે. બન્ની ગ્રાસલેન્ડ ધરાવતા ભુજ તાલુકામાં પણ ચાલુ વર્ષે ચોમાસામાં ભુજ તાલુકામાં પણ 26 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.