કચ્છ: આર્ષ અઘ્યયન કેન્દ્ર, ભુજ સંસ્થા છેલ્લા 15 વર્ષથી કચ્છના યુવાનોને વિવિધ જીવન ઉપયોગી મૂલ્યોના પાઠ શીખવી રહ્યા છે. તદુપરાંત વર્તમાનમાં ભગવદ્ગીતા અને ઉપનિષદો પરના નિયમિત અધ્યયન વર્ગો ભુજ મધ્યે ચાલી રહ્યા છે. આ સંસ્થા દ્વારા બાળકો અને યુવાનોના વ્યકિતત્વ વિકાસ માટે "પ્રતિભા સંવર્ધન સર્ટિફિકેટ કોર્ષ " ચલાવવામાં આવે છે. આ સમગ્ર કોર્ષનું આયોજન સંસ્થાના આચાર્ય સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે.

"વર્તમાન સમયમાં દેશમાં ગંભીર પ્રશ્નો છે અને દેશ અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે. સર્વત્ર ભષ્ટાચાર, ચારિત્ર્યહિનતા ફેલાઈ રહી છે. જેનું સમાધાન નીતિમાન, પ્રામાણિક અને આત્મવિશ્વાસયુકત નૈતિકમૂલ્યોવાળી નવી પેઢીના નિર્માણથી જ શક્ય બને. તેથી મૂલ્યનિષ્ઠ પ્રામાણિક જીવન પ્રત્યે જો બાળકો અને યુવાનોને પ્રોત્સાહિત કરશું તો ચોકકસ ભવિષ્યનું ભારત સુર્દઢ મૂલ્યનિષ્ઠ રાષ્ટ્ર તરીકે ઉભરી આવશે." -સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી, અધ્યક્ષ, આર્ષ અધ્યયન કેન્દ્ર
"પ્રતિભા સંવર્ધન કોર્ષના માધ્યમથી યુવાનો જાગૃત થઈ રહ્યા છે. ખાસ કરીને આજનો યુવાધન ગહન વિચારોમાં જઈને ડિપ્રેશનમાં જઈ રહ્યા છે તો જીવનમાં ઘણા એવા પ્રશ્નો ઉભા થાય છે જેનું નિરાકરણ સહેલાઈથી નથી થઈ રહ્યું ત્યારે સ્વામીજી પાસેથી જ્ઞાન મેળવીને આપને તેનું નિરાકરણ લાવી શકીએ છીએ. અહીંથી મે ખૂબ જ સારી એક વાત શીખી છે કે મારું મન મને હેન્ડલ નહીં કરે હું મારા મનને હેન્ડલ કરીશ." -ખુશ્બુ ભાનુશાલી, સાધક
યુવાનોને પ્રોત્સાહન: વિદ્યાર્થીઓના વ્યકિતત્વ વિકાસના આ પ્રશિક્ષણને વ્યવસ્થિતરૂપ આપવા "પ્રતિભા સંવર્ધન સર્ટિફિકેટ કોર્ષ" એવું નામાભિધાન થયું. આ કોર્ષની ભવ્ય સફળતાનો અંદાજ એ પરથી જ આવી જાય કે વિતેલા 8 વર્ષમાં 1,75,000 યુવા ભાઈબહેનોને આ કોર્ષના માધ્યમથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.