સુરત: કચ્છના રાપર તાલુકામાં આવેલા બામસેફ એટલે કે ડૉ. આંબેડકર બાર એસોસિએશન ઓફ ઇન્ડિયા સંગઠનના કાર્યકર્તા અને વકીલ એસોસિએશનના પ્રમુખ દેવજીભાઈ મહેશ્વરીની તિક્ષ્ણ હથિયાર વડે તેમની ઓફિસ પાસે હુમલો કરી હત્યા કરી દેવામાં આવી હતી.
આ હત્યાના ઘેરા પ્રત્યાઘાત SC, ST, OBC તેમજ લઘુમતી સમુદાયના લોકોમાં જોવા મળ્યા છે. જેને લઇને સોમવારે સમાજના લોકો અને ડોક્ટર આંબેડકર બાર એસોસીએશન ઓફ ઇન્ડિયા દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ છે. ગુજરાતના રાજ્યપાલને ઉદ્દેશીને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્યમાં દિન પ્રતિદિન વકીલો પર અસામાજિક તત્વો દ્વારા થતા હિંસક હુમલાના બનાવોને વખોડી કાઢવામાં આવ્યા છે.
અસામાજિક તત્વો સામે વકીલોને રક્ષણ આપવામાં પણ સરકાર નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. અસામાજિક તત્વો દ્વારા વકીલોને શારીરિક અને માનસિક રીતે હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા છે. જે બાબતને ધ્યાનમાં રાખી આવા અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવે તેવી માગ સાથે રાજ્યપાલને ઉદ્દેશીને સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ સાથે જ આવી ઘટનાઓ ફરી વખત ન બને તે માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બનાવવા માટેની પણ માગ કરવામાં આવી છે.