- કોરોના થઈ ગયા બાદ મ્યૂકરમાઇકોસિસ રોગ લાગુ પડે છે
- ભૂજની જી.કે. જનરલ હોસ્પિટલમાં પણ મ્યૂકરમાઇકોસિસના કેસ
- રોગ પ્રતિકારક શક્તિ ઘટ્યા બાદ આ રોગ જલ્દી લાગુ પડે છે
કચ્છ: સમગ્ર રાજ્યમાં પોસ્ટ કોરોના ઈફેક્ટ તરીકે આવેલી મ્યૂકરમાઈકોસિસ (mucormycosis) નામક બિમારીએ લોકોમાં ફફડાટ ફેલાવી દીધો છે. તેના લક્ષણો અને ચિહ્નો એ હદે ઘતકી હોય છે કે, સારવાર દરમિયાન લોકોની આંખ કઢાવવા સુધીનો પણ સમય આવી શકે છે. આ વચ્ચે જિલ્લાના ભુજમાં પણ મ્યૂકરમાઈકોસિસના 5થી 6 કેસ હોવાની પુષ્ટિ જી. કે. જનરલ હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉય નરેન્દ્ર હિરાણીએ કરી છે અને તેની સારવાર માટે હોસ્પિટલમાં અલાયદો વોર્ડ ઉભો કરવાની તૈયારીઓ પણ શરૂ કરાઈ હોવાનું જણાવ્યું હતું.
ટોસિલિઝૂમેબ અને ઇટોલીઝૂમેબની સારવાર મેળવનારને વધુ ખતરો
મ્યૂકરમાઇકોસિસ એ ફંગસથી થતો ઘાતક રોગ છે અને ફ્ંગસ સીધું લોહીની નસોમાં હુમલો કરીને વ્યક્તિના શરીર પર વિપરિત અસર કરે છે. કોરોના દરમિયાન ખાસ કરીને ICUમાં વેન્ટિલેટર પર લાંબાગાળાની સારવાર લીધી હોય અને જેમને ડાયાબિટીસ હોય તેમજ ટોસિલિઝૂમેબ અને ઇટોલીઝૂમેબની સારવાર લીધી હોય તેમને મ્યૂકરમાઇકોસિસની સંભાવના વધી જાય છે. કોરોનાને કારણે જેમની રોગપ્રતિકારક ક્ષમતા ઘટી ગઈ હોય તેમને આ રોગ જલ્દી લાગુ પડી જાય છે.
મ્યૂકરમાઈકોસિસના લક્ષણો
જેમને મયૂકરમાઈકોસિસ થયો હોય તેવી વ્યક્તિઓને માથામાં અને આંખમાં સખત દુઃખાવો થવો, નાકમાંથી સતત પાણી પડવું, દ્રષ્ટિ ઓછી થઈ જવી, આંખનું હલનચલન ઓછું થવું, વિગેરે લક્ષણો જણાય છે. જ્યારે સીધી રીતે જોઈ શકાય તેવા આ રોગના ચિહ્નોમાં દર્દીના ચહેરા ઉપર સોજા આવી જવા, મોઢાની ચામડીનો રંગ કાળો થઈ જવો, આંખ બહાર આવી જવી અને ઘણીવાર તાળવું કાળું પડી જવાના છે.
ઉપચાર શક્ય, પરંતુ ખર્ચાળ અને લાંબો સમય ચાલે
મ્યૂકરમાઈકોસિસનો ઉપચાર પણ શકય છે, પરંતુ તે ખર્ચાળ અને ખૂબ લાંબા સમય સુધી ચાલે છે અને સારવારમાં શરીરનો જે ભાગ કાળો પડી ગયો હોય તેટલા ભાગની માંસપેશીઓ(ટિશ્યુ) દૂર કરીને લાંબા સમય માટે એન્ટિ ફંગલ દવાઓ ચાલુ કરવામાં આવે છે. ઘણીવાર તે કિડનીને પણ અસર કરે છે. સારવારમાં સૌથી મહત્વની બાબતમાં તબીબોનો ટીમ એપ્રોચ મહત્વનો ભાગ ભજવે છે. આ ટીમમાં ENT, પ્લાસ્ટિક સર્જન, ફિઝિશિયન અને એનેસ્થેટિકના ડોક્ટર્સે સાથે મળીને સારવાર આફવી પડે છે. આ અંગે વાત કરતાં જી. કે. જનરલ હોસ્પિટલના ચીફ મૅડિકલ સુપ્રિ. ડો. નરેન્દ્ર હિરાણીએ જણાવ્યું હતું કે, કોરોનાની સારવાર બાદ થતા મ્યૂકરમાઈકોસિસના કેસો કચ્છમાં પણ દેખાઈ રહ્યા છે અને હાલમાં આ રોગની સારવાર માટે અલગ વોર્ડ શરૂ કરવા માટેની તૈયારી કરવામાં આવી છે.