- નર્મદાના પાણી પહોંચતાં ભૂમિ સજીવ બની ઉઠી
- જમીનના ભાવ પણ ઉંચકાયાં
- દર વર્ષે હજારો હેકટરમાં રવી પાકનું વાવેતર
કચ્છઃ 2015માં નર્મદા કેનાલમાં પાણી આપવાની શરૂઆત થઇ હતી અને ત્યારબાદ વાગડની કાયાપલટ થઈ ગઇ છે. દર વર્ષે અબજો રૂપિયાના જીરાનાં વાવેતરથી કિંમતી ઉપજ ખેડૂતો મેળવી રહ્યાં છે. નર્મદા કેનાલ રાપર તાલુકાના મોમાયમોરાથી માંજુવાસ ફતેહગઢ, સલારી, થાનપર, કલ્યાણપર, નંદાસર, ત્રંબો, રામવાવ, વજેપર, સુવઇ, ગવરીપર સહિત 39થી વધુ ગામોમાંથી પસાર થઇ રહી છે. દર વર્ષે હજારો હેકટરમાં રવી પાકનું વાવેતર કરવામાં આવી રહ્યું છે.
પહેલા ખેડૂતો બહાર જતાં હવે વાગડની રાહ
નર્મદાનીર આ ભૂમિ પર પહોંચ્યાં તે પહેલા વાગડ વિસ્તારના લોકો ખેતી કરવા માટે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત કચ્છના અંજાર, નખત્રાણા, ભૂજ સહિતના વિસ્તારમાં જતા હતાં. હવે વાગડ વિસ્તારમાં અન્ય સ્થળેથી લોકો ખેતી કરવા માટે આવી રહ્યાં છે અને પગભર થઇ રહ્યાં છે. દર વર્ષે રવી પાકનું વાવેતર નર્મદા કેનાલ થકી ખેડૂતો વધુને વધુ કરી રહ્યાં છે.
સરકારી રાહે 74 હજાર હેકટરમાં વાવેતર
રાપર તાલુકાના ખેતીવાડી અધિકારી મનોજભાઇ સોલંકીના જણાવ્યા પ્રમાણે આ વર્ષે રાપર તાલુકામાં રવી પાકનું વાવેતર ઘઉં 6210 હેક્ટર, રાયડો 8350 હેક્ટર, જીરું 50250 હેક્ટર, ઇસ્બગુલ 2635 હેક્ટર, વરિયાળી 750 હેક્ટર, શાકભાજી 495 હેક્ટર, ઘાસચારો 2580 હેક્ટર, ચણા 270 હેક્ટર, અન્ય 2745 મળી કુલ 74,285 હેકટરમાં વાવેતર થયું છે.
અધૂરી કામગીરી પૂરી થાય તો જલસા
ખેડૂત ભરતભાઇ રાઘુ ચાવડાએ પોલીસમાંથી નિવૃત્ત થયા બાદ જીરું, રાયડા અને અન્ય પાકનું વાવેતર કરતા કિરણભાઇ પરસોંડના જણાવ્યા મુજબ આ વર્ષે જીરું, રાયડો ઇસબગુલ, વરિયારી, ઘઉં સહિતના પાકનું વાવેતર થયું છે. તો નંદાસર નજીકથી પસાર થતી ડાવરી પેટા કેનાલમાં બે ત્રણ જગ્યાએ કામગીરી અધૂરી રહી ગઇ છે. તે જો નર્મદા નિગમ દ્વારા પૂરી કરવામાં આવે તો ખેડૂતોને મોંઘા ભાવના ડીઝલની બચત થાય તેમ છે. મોમાયમોરાથી સુવઇ ગવરીપર જેસડા સુધી અંદાજે સાતેક હજારથી વધુ ડીઝલ એન્જિન દ્વારા પાણી સિંચાઇ માટે મેળવવામાં આવી રહ્યું છે. રાપર, નંદાસર, થાનપર, સલારી ગેડી, ફતેહગઢ, મોડા સણવા, માંજુવાસ, કલ્યાણપર, રવ, નંદાસર, બાલાસર, જેસડા, ત્રંબૌ, સુવઇ, જાટાવાડા, મૌઆણા, રામવાવ તેમજ ગાગોદર પેટા કેનાલ દ્વારા આડેસર, ભીમાસર, અમરાપર, પલાંસવા, ગાગોદર, કાનમેર સહિતના વિસ્તારમાં જીરું સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.
ખેતીપ્રધાન વિસ્તાર બને તેવા સંજોગો ઊભા થયાં
સરકારી આંકડા મુજબ 74,285 હેકટરમાં વાવેતર થયું છે, પરંતુ ખેડૂતોના જણાવ્યા મુજબ એક લાખથી વધુ હેકટરમાં વાવેતર થયું છે. જીરું જ અંદાજ મુજબ સાઇઠ સિત્તેર હજાર હેકટરમાં વાવેતર થયું છે. છેલ્લા પાંચ વર્ષમાં નર્મદા કેનાલ થકી અનેક ખેડૂતો પગભર થયાં છે. ત્યારે આગામી સમયમાં નર્મદા કેનાલના લીધે વાગડ વિસ્તાર એક ખેતી પ્રધાન વિસ્તાર બને તેવા સંજોગો ઊભા થયા છે. નર્મદા કેનાલના લીધે હાલ જમીનના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે.