કચ્છમાં મંગળવારે બપોરે 1.10 વાગ્યે રાપરથી 24 KM વેસ્ટ સાઉથ વેસ્ટ દિશામાં જમીનમાં 15.3ની ઉંડાઈ ધરાવતો 3.5ની તીવ્રતાના ભૂકંપનો આંચકો નોંધાયો છે. આ આંચકાની અસર વાગડના અનેક ગામોમાં જોવા મળી હતી. સોમવારે સાંજે 7.01 વાગ્યે ભચાઉથી 23 KM દુર નોર્થ ઈસ્ટ દિશામાં જમીનમાં 15.7ની ઉંડાઈ ઘરાવતો 4.3નો આંચકો નોંધાયો હતો.
સોમવારે સાંજે પણ 8.24 વાગ્યે ફરી 3ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જેની દિશા અને જમીનની ઉંડાઈ સાંજે નોંધાયેલા 4.3ના આંચકાના આસપાસ રહી હોવાનું ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજી રીસર્ચમાંથી જાણવા મળ્યું હતું. ઉપરાંત કચ્છમાં ગત બે દિવસમાં નાના મોટા કુલ 6 આંચકા નોંધાયો છે.
વિનાશક ભૂકંપ પછી કચ્છી ધરામાં અનેક વખત નાના મોટા આંચકા નોંધાતા રહે છે. પણ જ્યારે ભૂકંપના આંચકાની તીવ્રતા 3 રીક્ટર સ્કેલથી વધુ હોય છે, ત્યારે લોકો તેને અનુભવી શકે છે. ગત 24 કલાકમાં એટલે કે, સોમવારે સાંજે 7.01 વાગ્યાથી આજે મંગળવારે બપોરે 1.10 વાગ્યા સુધીમાં 3થી વધુ તીવ્રતાના કુલ 3 આંચકા નોંધાયા છે. જેમાં, સૌથી વધુ આંચકો 4.3ની તીવ્રતાનો નોંધાયો છે.
આ ત્રણ આંચકાની અસર અનેક ગામોમાં જોવા મળી હતી. ખાસ કરીને ભૂકંપનું કેન્દ્રબિન્દુ નોંધાય, તેવા રણ કાધીના વાગડના ગામો, ભચાઉ, રાપરથી લઈ અંજાર, દુધઈ અને આહીરપટ્ટીના ગામોના લોકોમાં ભૂકંપને લઇને ભય જોવા મળે છે.
જોકે, નિષ્ણાતોના મતે સમયાંતરે આવતા આંચકાથી ધરતીના પેટાળમાં રહેલી ઊર્જા મુક્ત થઈ જતી હોઈ છે. જેથી, ભવિષ્યમાં મોટા ભૂકંપની શક્યતાઓ મહદઅંશે ઘટી જાય છે. દરમિયાન વર્તમાન વર્ષે 4 કે તેથી ઉપરની તીવ્રતા ધરાવતા કુલ ત્રણ આંચકા નોંધાયા છે. સિસ્મોલોજી રીસર્ચના જણાવ્યા મુજબ, અગાઉ 19 ઓગસ્ટના રોજ બપોરે ભચાઉ નજીક 4.2 અને 8 જુલાઈના રોજ સાંજે ખાવડા નજીક 4.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.