કલેક્ચરના અધ્યક્ષ સ્થાને અછત સમિતિની બેછક યોજાઇ હતી. આ બેઠકમાં ભુજના ધારાસભ્ય ડૉ. નીમા આચાર્યે કચ્છનાં ઘાસડેપોમાં ઘાસની ઉપલબ્ધતા ઓછી થતાં તેમજ ધણા ગામોમાં ઘાસડેપો બંધ કરાયાં હોવાની ચિંતા જણાવી હતી. જ્યારે નાયબ કલેક્ટર એન.યુ.પઠાણે અમુક ગામોમાં ઘાસડેપો બંધ નથી કરાયાં પરંતુ મર્જ કરવામાં આવ્યા છે તેવુ જણાવ્યું હતું.
આ બેઠકમાં કેન્દ્ર સરકારના ‘જળશક્તિ અભિયાન’ માં ગુજરાતના પાંચ જિલ્લા પૈકી કચ્છમાં તેનો અમલ થવા જઇ રહ્યો છે. ત્યારે NGO તેમજ ગ્રામ પંચાયતો સ્વયંભૂ આ અભિયાનમાં જોડાઇને નાણાં પંચની ગ્રાંટમાંથી આ માટે ખર્ચ કરે તેવું સૂચન કરાયું હતું. સાથે NGO સહિત રાતા તળાવ જેવી સ્વૈચ્છિક સમિતિઓને અભિપ્રેરિત કરીને ગ્રામ્ય અને તાલુકાક્ષેત્રે જળસંચય અભિયાન સહિત ગૌચર વિકાસ અને નવપલ્લવિતનું કાર્ય કરાય તે જોવા સૂચન કર્યું હતું.
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ પશુધન ચારો મોંઘો મળતો હોવાથી વરસાદ નહીં પડે ત્યાં સુધી મુશ્કેલીની સાથે સબસીડીનો વધારો ચાલુ રાખવા સુચન કર્યું હતું. તેમજ જળસંચયના કામો માટે ખર્ચનું ધોરણ, જમીનમાં પાણી ઉતારવા પાઇપલાઇન ખર્ચની જોગવાઇ સહિત NGO સૌને સાથે જોડવા, વન વિભાગ સહિતને સૂચનો કર્યાં હતા. અછત સમિતિના અન્ય સભ્યોએ પણ ગૌશાળા શેડનું પાણી ભૂગર્ભમાં ઉતારવાનું સૂચન કર્યું હતું. જિલ્લા પંચાયતના પૂર્વાધ્યક્ષ જીવાભાઈ શેઠે કરેલા લેખિત રજૂઆતના મુદ્દાઓની બેઠકમાં છણાવટ કરવામાં આવી હતી.
ગૌચર સુધારણા ઝુંબેશ-2019 અંતર્ગત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા ગૌચર વિકાસ તથા ગૌચર નવપલ્લવિત કરવા માટે પ્રતિ હેક્ટરદીઠ રૂ. 75 હજાર સહાય અપાનાર હોવાની વિગતો સાથે ચીયાસર, રવા, નુંધાતડ, મોટીબેર, નલીયા, કનકપર ગ્રામ પંચાયત હસ્તકની ગૌચર જમીનમાં ઘાસચારાનું વાવેતર કરવા ગ્રામ પંચાયતો સહમત થયા હોવાનું જણાવાયું હતું.