કચ્છ: કચ્છના ભચાઉ તાલુકાના એક ગામમાં દોઢ મહિના પૂર્વે ચાર વર્ષની કુમળી વયની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારવાના ચકચારી બનાવમાં નરાધમ આરોપીને ઝડપી પાડવામાં પોલીસને આખરે સફળતા મળી છે. આ અંગે પૂર્વ કચ્છ પોલીસવડા પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે, હ્યુમન ઈન્ટેલિજન્સથી મળેલી બાતમીના આધારે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં મૂળ પશ્ચિમ બંગાળના વતની અને ખાનગી કંપનીમાં નોકરી કરતા આરોપી ઈસ્માઈલ સાયકુલા લશ્કરને ઝડપી પાડવામાં આવ્યો છે. ભોગ બનનારી બાળકી જ્યાં રહેતી હતી, તે જ વિસ્તારમાં આ શખ્સ રહેતો હતો. એક જ ચાલીમાં રહેતા 70 જેટલા લોકોને રાઉન્ડઅપ કરી વ્યાપક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
બાળકી સગીર વયની હતી અને બીજુ બંગાળી ભાષા સિવાય અન્ય કોઈ ભાષા જાણતી નહોતી. જેથી કોમ્યુનિકેશનમાં થયેલી તકલીફના કારણે સમય લાગ્યો હતો. બાતમીના આધારે આરોપીને રાઉન્ડઅપ કર્યા બાદ પોલીસ ટુકડી દ્વારા બાળકીને સાઈકોલોજીકલી પ્રેરણા આપી હતી. આખરે તેણીએ આરોપીને ઓળખી બતાવ્યો હતો અને બંગાળી ભાષામાં વર્ણન કર્યું હતું. જેમાં પોલીસે દુભાષિયાનો પણ સહયોગ લીધો હતો.
આ આરોપી વિકૃત માનસિકતા ધરાવતો હતો. જેના મોબાઈલમાંથી અશ્લિલ ફિલ્મો જોયા બાદ અપરિણીત એવા આ શખ્સે બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. તેના ઘર પાસે રમતી બાળકીને લાલચ આપી બાવળની ઝાડીમાં લઈ જઈ આ જઘન્ય કૃત્યને અંજામ આપ્યો હતો. આ કૃત્ય આચર્યા બાદ તે ક્યાંય ફરાર થયો ન હતો. જેથી પૂછપરછ દરમ્યાન આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી.