- વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર થયું સજજ
- જખૌ બંદરે 380 જેટલી માછીમારી બોટો પાછી ફરી
- હજુ પણ 150 જેટલી બોટો દરિયાની અંદર
કચ્છ: દરિયા કિનારા પર પ્રવાસન તેમજ મનોરંજન પ્રવૃતિઓ પર પ્રતિબંધ લગાવાયો છે, જેના ભાગરૂપે બીચ પર બોટીંગ, ફીશીંગ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, વાવાઝોડાની આગાહીના પગલે આજે કંડલા, મુન્દ્રા, જખૌ, માંડવી બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયુ છે, તો જખૌ દરિયા કિનારે 380 જેટલી બોટ પરત ફરી છે, જ્યારે 150થી 200 જેટલી બોટ દરિયાની અંદર છે જેને સુરક્ષિત રીતે બંદરે પરત લાવવા કોસ્ટ ગાર્ડ જહેમત ઉઠાવી રહ્યું છે.
150 જેટલી બોટનો સંપર્ક સાધી શકાયો નથી: પ્રમુખ
જખૌ ફિશરમેન એસોસિએશનના પ્રમુખ અબ્દુલશા પીરજાદાએ જણાવ્યું હતું કે, આજે કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યકત કરવામાં આવી હતી. જે મુજબ કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે, બીજી તરફ પવનની ગતિમાં વધારો થયો છે, કચ્છના જખૌ બંદર પર મોટાભાગની માછીમારોની બોટ લાંગરી દેવાઈ છે, બીજી તરફ જખૌ બંદર પર મોબાઈલ નેટવર્ક ન હતા. મોટાભાગની ફિશિંગ બોટ સંપર્ક વિહોણી છે, જે દરિયામાં ફિશિંગ કરવા ગઇ છે, તેવી 150 જેટલી બોટનો સંપર્ક સાધી શકાયો નથી.
હાલમાં દરિયામાં ખૂબ ભારે પવન ફૂંકાઇ રહ્યો છે: માછીમાર
માછીમાર મગનભાઇએ જણાવ્યું હતું કે, આ વર્ષે શરૂઆતથી જ અમારા માટે સીઝન સારી નથી રહી. ઉપરાંત હાલમાં પવન પણ બહુ ફૂંકાઈ રહ્યો છે, માટે દરિયામાં જઈ શકાય તેમ નથી. મોટાભાગે બોટ કિનારે પરત આવી ગઈ છે. અબડાસાના વહીવટી તંત્ર દ્વારા સારી રીતે પ્રતિસાદ આપવામાં આવી રહ્યો છે અને અમને વાતાવરણને લઈને જાણકારી પણ આપવામાં આવી રહી છે. મોસમ સારી થશે પછી જ પાછા માછીમારી માટે જઈ શકીશું.
વાવાઝોડું અન્ય દિશામાં ફંટાઈ જશે તેવી સંભાવના
કચ્છના દરિયાઈ કાંઠા વિસ્તારો પર સાવધાનીના સંકેત આપી દેવામાં આવ્યા છે. ભારે વરસાદની આગાહીને પગલે તંત્રે સર્તકતાના સુચનો કર્યા છે. માછીમારીને દરિયો ન ખેડવાની સુચના આપી દેવાઈ છે. તો આ વાવાઝોડું ઓમાન અથવા પાકિસ્તાન તરફ ફંટાય તેવી શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આ પણ વાંચો- બિહારની સિકરહના નદીમાં બોટ પલટી, 30 લોકો હતા સવાર
આ પણ વાંચો- ચક્રવાત 'શાહીન' 50થી 160 કિમીની ઝડપે આવનારું હોવાથી દ્વારકા-બેટ દ્વારકા ફેરી બોટ સર્વિસ બંધ