- અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી
- કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણીએ ઉમેદવારી ફોર્મ ભર્યું
- નલિયાના જંગલેશ્વર ગ્રાઉન્ડ ખાતે યોજાયું કોંગ્રેસનું વિજય સંકલ્પ સંમેલન
અબડાસા: કચ્છ જિલ્લાની અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે ગુરુવારે કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણીએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણીએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અબડાસા વિધાનસભાના ત્રણ તાલુકાના છેવાડાના ગામો સહિત અનેક મુદ્દાઓ છે.
ભાજપ પર પ્રહાર કરતા કોંગ્રેસના ઉમેદવારે કહ્યું કે, પક્ષ પલટો કરાવીને ભાજપે લોકશાહીને નુકસાન પહોંચાડ્યું છે. આ ઉપરાંત સ્થાનિક રોજગારી, પાણીનો મુદ્દો, શિક્ષણ આરોગ્ય સહિતની માળખાગત સુવિધાઓનો અભાવ છે.
શાંતિલાલ સેંઘાણીએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરતા પેહલાં નલિયાના જંગલેશ્વર ગ્રાઉન્ડ ખાતે કોંગ્રેસનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું. જેમાં બેઠક નિરીક્ષક સી.જે. ચાવડા, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, ગ્યાસુદિન શેખ, આગેવાનો બચુ આરેઠીયા, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રાણાજી ઠાકોર, સાગર રાયકા, ગુલાબ ખાન રાઉમા, કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્ર સિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.