- કચ્છ સીમાની જાસૂસી કરતો BSF જવાન ઝડપાયો હતો
- આરોપી સજ્જાદને BSFમાંથી ડિસમિસ કરવામાં આવ્યો
- ગુજરાત BSFના PROએ અખબારી યાદી જાહેર કરીને જણાવ્યું
કચ્છ: મોહમ્મદ સજ્જાદની દેશની આંતરિક સુરક્ષા અંગેની માહિતી તથા ગુપ્ત અને સંવેદનશીલ માહિતી પાકિસ્તાનમાં પહોંચાડવાના મામલે ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત BSF દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સજ્જાદની ધરપકડ બાદ હાથ ધરાયેલી આંતરિક તપાસમાં તે જાસૂસીની પ્રવૃત્તિમાં શામેલ હોવાનું સ્પષ્ટ થતા દેશની સુરક્ષા અને સલામતી માટે હાનિકારક હોવાના આધાર પર તેને ડિસમિસ કરી દેવાયો છે.
![BSFની ગુપ્ત માહિતી પાકિસ્તાન પહોંચાડનાર જવાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-kutch-26-bsf-jawan-dismissed-photo-story-7209751_30102021225845_3010f_1635614925_500.jpg)
અતિ ગુપ્ત અને સંવેદનશીલ માહિતી પોતાના મોબાઇલ મારફતે પાડોશી દેશમાં મોકલતો
મહમ્મદ સજ્જાદ BSFની અતિ ગુપ્ત અને સંવેદનશીલ માહિતી પોતાના મોબાઇલ મારફતે પડોશી દેશ પાકિસ્તાનમાં મોકલતો હતો અને તેના બદલામાં પૈસા મેળવીને દેશ વિરોધી પ્રવૃત્તી કરી રહ્યો હતો. આ બાતમીના આધારે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.
7 વર્ષ પહેલા BSFમાં ભરતી થયો હતો
સુત્રોનાં જણાવ્યા મુજબ, જમ્મુ-કાશ્મીર રાજ્યનાં રાજૌરી જિલ્લામાં રહેતો આ જવાન 2 મહિના પહેલા તેની બટાલિયન કચ્છમાં ગાંધીધામ ખાતે આવતા અહીં આવ્યો હતો. ઇન્ટેલિજન્સ એજન્સીઓની તેની ઉપર નજર હતી અને તે અંગે ગુજરાત ATSને પણ જાણ કરવામાં આવતા તેની ઉપર ફોકસ કરવામાં આવ્યું હતું. આ મુસ્લિમ કાશ્મીરી યુવાન સાતેક વર્ષ પહેલા જ BSFમાં ભરતી થયો હતો.
આરોપી પાકિસ્તાનમાં કોઈ "અંકલ" સાથે હતો સંપર્કમાં
આ ઉપરાંત સવાલો એ ઊભા થયા હતા કે, આ અંકલ કોણ છે? હજુ સતાવાર રીતે કોઈ માહિતી બહાર નથી આવી પરંતુ સૂત્રોનું માનીએ તો આ અંકલ પાકિસ્તાની ખુફીયા એજન્સી ISIનો એક ઓફિસર હોવાનું સામે આવી રહ્યું છે. BSFના કોન્સ્ટેબલ સજજાદનો હેન્ડલર આ આઈએસઆઈનો ઓફિસર જ હોવાનુ સામે આવવા પામ્યું છે. નોધનીય છે કે, આઈએસઆઈનો આ ઓફિસર સજજાદનો સબંધી છે. અને સજજાદ તેના મારફતે જ હેન્ડલ થતો હતો.