અંજારમાં રાજ્યસ્તરીય રસ્સાખેંચનું આયોજન કરાયું હતું. જેનો પ્રારંભ અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના હસ્તે થયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યપ્રધાન વાસણભાઈ આહીર અને ભૂજના ધારાસભ્ય ડૉ. નીમાબહેન હાજર રહ્યાં હતાં. જેમણે વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરે આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.
નગરપાલિકા ટાઉન હૉલમાં વાસણભાઈ આહીરે વિજેતા ટીમના ખેલાડીઓને ઈનામની રકમના ચેક અર્પણ કર્યા હતાં. તેમજ વિજેતા ખેલાડીઓને ધ્યેય નક્કી કરી તે તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, વિવિધ એજ ગ્રુપ અંડર-17, ઓપન એજ ગ્રુપ, અબવ-40, અબવ-60 ભાઇઓ- બહેનોની રાજયકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધાનું અંજારમાં તારીખ 10થી 14 નવેમ્બર દરમિયાન આયોજન થયું હતું. જેમાં 64 ટીમો અને 576 ખેલાડીઓએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધાના અંતિમ દિવસે યોજાયેલી મહિલાઓ માટેની રસ્સાખેંચની અન્ડર-17માં પ્રથમ ગીર સોમનાથ, બીજા ક્રમે કચ્છ અને તૃતીય સ્થાને મહેસાણા જયારે અબવ-40 સ્પર્ધામાં પ્રથમ મહેસાણા બીજા ક્રમે પોરબંદર અને તૃતીય સ્થાને કચ્છની ટીમ વિજેતા રહી હોવાની વિગતો પીવાયડીઓ નરસિંહભાઈ ગાગલે આપી હતી.