કચ્છના પ્રવેશદ્વાર સૂરજબારીથી માતાના મઢ સુધી દિવસ અને રાત્રે એક સરખું ચિત્ર જોવા મળી રહ્યું હતું. લાખો ભાવિકો પદયાત્રાએ નીકળ્યા છે. લાખો યાત્રાળુઓની સેવામાં મોટી સંખ્યામાં માઇભક્તો પણ જોડાયા હતા. આમ માર્ગો પર પદયાત્રી અને સેવાપોથીઓ સહિત 25 લાખથી વધુ લોકો હોવાથી આ માર્ગ પર માં આશાપુરાની આરાધના અને જય માતાજીની નાદ જ ગૂંજી રહ્યાં છે. દર વર્ષે આશા પૂરી કરતા માઁ આશાપુરાના દર્શનાર્થે લાખો લોકો આવે છે. તેમજ ઠેર ઠેર સેવા કેમ્પો શરુ કરવામાં આવે છે. લાખો ભાવિકો આશાપુરાના દર્શને સાઇકલ અને જે વાહન મળે તેમાં નીકળી પડે છે.
માર્ગ પર ઠેર-ઠેર માતાજીની મૂર્તિ અને ફોટાનું સ્થાપન કરાયું છે. રાસ-ગરબા સાથે યાત્રિકો આનંદ સાથે આગળ વધી રહ્યા હતા. લાખો યાત્રાળુઓના પ્રવાહના ઘસારાને લઇ પોલીસ વિભાગ એસ.ટી વિભાગ સહિતના તંત્ર પણ સઘન રીતે કામગીરી અને બંદોબસ્તમાં સહયોગ આપી રહ્યા છે.
માઁ આશાપુરાના મંદિર માતાના મઢમાં નવરાત્રીએ પદયાત્રાનું અનેરુ મહત્વ હોય છે. આ વર્ષ અશ્વિન નવરાત્રીના પ્રારંભ પહેલાં જ લાખો લોકોએ પદયાત્રા શરુ કરી દીધી છે. પ્રથમ વખત લાખો શ્રદ્ધાળુઓએ માતાના મઢમાં માતાજીના આશીર્વાદ મેળવી લીધા છે. સેવા કેમ્પોની સરવાણી વચ્ચે કચ્છના તમામ માર્ગો પર જય માતાજી જય માતાજીનો નાદ સાંભળવા મળી રહ્યો હતો.