ભૂજઃ વૈશ્વિક મહામારી કોરોના વાઈરસની જંગમાં સરકાર વિવિધ આયોજનો પૈકી સરકારી, ખાનગી તેમજ ટ્રસ્ટોની હોસ્પિટલોનો પણ સહયોગ લઇ રહી છે. જે અંતર્ગત કચ્છ કલેકટર પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતામાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ભુજના તબીબો સાથે બેઠક યોજાઇ હતી.
તબીબોએ પોતાની હોસ્પિટલોમાં કોરોના સિવાયનાં તમામ ઓ.પી.ડી અને ઈન્ડોર પેસન્ટને જોવાની વાત કરી હતી. તેમજ ઈમરજન્સી માટે આ હોસ્પિટલો 24 કલાક ચાલુ રાખવાની ખાતરી પણ આપી હતી. આ ઉપરાંત કોરોના સંક્રમણને રોકવા અને સહાયરૂપ થવા પણ તેઓએ સંપૂર્ણ ખાતરી આપી હતી.
આ મીટીંગમાં આઇ.એમ.એ, ભુજના પ્રમુખ ડો.ક્રિપાલસિંહ જાડેજા, ફિઝીશીયન ડો.આનંદ ચૌધરી, ડો માધવ નાવલેકર વગેરે જાણીતા તબીબો સહિત અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નર, સીવીલ સર્જન ડો.કશ્પય બુચ તેમજ આરોગ્ય અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.