જીવનભર સામાન્ય વ્યકિતત્વના ધની ગાભાના મૃત્યુના સમાચારથી સમગ્ર કચ્છમાં શોક ફેલાયો છે. કારણ કે, છેલ્લાં પાંચ દાયકાથી ગાભાભાઈની તીખી તમતમતી ચટાકેદાર દાબેલીના સ્વાદે આખા કચ્છમાં એક આગવી સ્વાદ પરંપરા સર્જી હતી. દાયકાથી કચ્છમાં રહેતો કચ્છીજન હોય, દેશભરમાં રહેતા કચ્છીઓ હોય કે પછી કચ્છની મુલાકાતે આવેલો કોઈ પ્રવાસી ગાભાની રોટીનો સ્વાદ ન લે તેવું બન્યું નથી અને તેથી જ આ દુઃખદ સમાચારથી સૌ કોઈના મુખમાંથી શોક બહાર આવે તે સ્વાભાવિક છે.
ગાભાની દાબેલીની મસાલો, તેની આવડત અનેરી હતી અને હજુ તેમના જેવા કારીગર નથી થયા. અનેક દાબેલીના કારીગરોને પ્રખ્યાતી મળી છે પણ ટોપ પર આજે પણ ગાભાની દાબેલી વખણાતી રહી છે. સવારે માંડવીની શાકમાર્કેટ નજીક અને સાંજે માંડવીના નવાપરા વિસ્તારમાં ગાભાભાઈની રેંકડીને આવવામાં જો થોડુંક મોડું થાય તો ઘરાકોની કતારો લાગી જતી. બે-અઢી કલાકમાં તો રેંકડીના તપેલા સફાચટ થઈ ગયા હોય! તેમને રોટી તૈયાર કરતાં જોવા એ પણ એક લ્હાવો ગણાતો.
ગાભાભાઈની લોકપ્રિયતા જણાઈ આવે છે કે, ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ તેમના કાર્યકાળ દરમિયાન એકવખત ગાભાભાઈને તેમણે ખાસ ગાંધીનગર તેડાવેલાં અને તેમના હાથે તૈયાર થયેલી દાબેલીનો વિધાનસભાના સહુ ધારાસભ્યોને ટેસ્ટ કરાવ્યો હતો. કચ્છમાં વસતાં NRIઓ પણ માંડવી આવે ત્યારે ગાભાની રોટીને ખાસ પેક કરી વિદેશ લઈ જતા. જો કે, વયોવૃધ્ધ ગાભાભાઈએ છેલ્લાં સાત-આઠ વર્ષથી દાબેલીનો વ્યવસાય સમેટી લીધો હતો.
કચ્છ માટે રોટી અને સમગ્ર દુનિયામાં પાંઉમાં મસાલો દાબીને અપાતો એટલે દાબેલી તરીકે ઓળખાય છે. આ ચટાકેદાર ડીસનો ઈતિહાસ પણ રસપ્રદ છે. કચ્છી દાબેલીનું જન્મસ્થાન માંડવી ગણાય છે. માંડવીના મોહનભાઈ નાથાબાવાએ 1964માં બટેટાનું શાક પાંઉમાં દબાવી તીખી-મીઠી ચટણી સાથે એક આનામાં એક નંગ વેચવાનું શરૂ કરેલું. જો કે, દાબેલીના શોધક અંગે બીજી પણ એક વ્યક્તિનું નામ લેવાય છે. માંડવીના કેશવજી ગાભા ચુડાસમા ઊર્ફે કેશા માલમે 1960માં દાબેલીને શોધી તેનો વ્યવસાય શરૂ કરેલો. પાંઉ દબાવીને અપાતો એટલે દાબેલી નામ પડ્યું. દાબેલીની સ્વાદ પરંપરાનો વારસો માંડવીના જ ગાભાભાઈએ આગળ ધપાવેલો.
દૈનિક કચ્છમાં હજારોની સંખ્યામાં દાબેલી વેચાય છે. કોઈ માટે બપોરનું ભોજન, કોઈ માટે સાંજનો નાસ્તો, કોઈ ઉજવણીમાં મુખ્ય નાસ્તો તો કોઈ માટે સવાર સાવારમાં ચટાકેદાર રોટી અને કચ્છ આવેલા લોકો માટે ખાસ સ્વાદ સાથેની આથિત્ય નિભાવવાનું કામ દાબેલી કરે છે.
કચ્છમાં આજેય વેરાઈટી અનુસાર 10 રૂપિયાથી લઈ 15-20 રૂપિયા સુધીની રેન્જમાં દાબેલી મળે છે. તૈયાર દાબેલીની જેમ દાબેલીનો મસાલો પણ ખૂબ વેચાય છે. મહારાષ્ટ્રના વડાપાંઉની જેમ કચ્છે દેશને આપેલા આ ફાસ્ટફૂડે આજના યુગમાં પણ સ્વાદના મોરચે એટલી જ લોકપ્રિય જાળવી રાખી છે. કચ્છી દાબેલીનો દબદબો એવો છે કે, આજેય ગુજરાતભરના શહેરોની અનેક રેંકડીઓ પર ‘કચ્છી દાબેલી’ લખેલું જોવા મળે છે. સમય જતાં સ્વાદસાહસિકો દાબેલીના ટેસ્ટમાં સુધારા-વધારા કરતા ગયા. ભેલવાલી દાબેલી આવી. સિંગદાણાને સેવ પણ ઉમેરાયાં. કોઈકે તેને તવા પર શેકી અથવા તેલ-બટરમાં તળીને પીરસવાનું શરૂ કર્યું. જો કે, દાબેલીનું મૂળ બંધારણ વર્ષોથી યથાવત રહ્યું છે. ભુજ-ગાંધીધામમાં અનેક દાબેલીના વેપારીઓ IT રિટર્ન ભરતા હોય એટલું કમાય છે. આવા જ વ્યવસાયની શરૂઆત કરાન આજે દેવલોક પામ્યા હોય ત્યારે દાબેલીના ચાહકો હોય કે દાબેલીના વેપારીઓ તમામને દુઃખ તો પહોચ્યું જ હશે.