કચ્છ : પૂર્વ કચ્છના અંજાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકના સુપરવિઝન હેઠળ જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાડી સર્વેલન્સ ગોઠવી તેમજ ખાનગી બાતમીદારોથી લુંટ, અપહરણ, ખુન તેમજ ખુનની કોશીશ જેવા ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા માટે સુચના આપવામાં આવેલ જે અંતગર્ત રાપર ખાતે થયેલ લૂંટની તપાસ કરવામાં આવી હતી.
આ મુજબની કલમો લાગી : 27મી નવેમ્બરના રોજ રાપર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 307, 397, 394(ખ), 120(બી), 34 તથા જી.પી.એકટ કલમ-135 મુજબનો લુંટ તથા ખુનની કોશીશ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ કચ્છના રાપર મુકામે ત્રંબો રોડ ઉપર આવેલ નાયરા પેટ્રોલ પંપ પરના કર્મચારીઓ પેટ્રોલપંપ ઉપરથી રોકડ રૂપિયા- 12,79,320/- બેગમાં રાખી રાપર મુકામે બેંકમાં જમા કરાવવા માટે મોટર સાયકલથી જતાં હતાં તે સમયે આરોપીઓ પૂર્વ આયોજીત કાવતરૂ રચી લુંટ કરવાના ઈરાદે ફરીયાદીના મોટર સાયકલનો પીછો કરીને બેગમાં ભરેલ રોકડ રૂપિયાની લુંટ કરવા બંને સાથે ઝપ્પાઝપ્પી કરી કર્મચારીને છરી વડે પીઠના ભાગે ઘા મારી ગંભીર ઈજા કરી રોકડ રકમ ભરેલ બેગની લુંટ કરી આરોપીઓ લઇ આવેલ મોટર સાયકલથી નાસી છૂટયા હતા.
આ રીતે ગુનેગારોને પકડી પાડ્યા : લૂંટના બનાવ અંગે જાણ થતાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા લોકલ ક્રાઇમ બ્રાંન્ચ તથા જુદાં જુદા પોલીસ સ્ટેશનના સ્ટાફ અને એલસીબી ના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે તાત્કાલીક આવી આલગ-અલગ ટીમો બનાવી તેમજ ટેકનીકલી તેમજ હ્યુમનસોર્સીસ આધારે પણ અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરી હતી. પોલીસ ટીમ દ્વારા સી.સી.ટી.વી ફુટેજોના બેકઅપ મેળવી ટીમો દ્વારા સતત એનાલીસીસ તપાસ કરતાં આરોપીઓ લુંટ કરતાં પહેલાં પેટ્રોલપંપની સામે રેકી કરતાં જોવામાં મળ્યા હતા. રેકી ક૨તાં આરોપીઓને મળવા એક શખ્સ એક્ટીવાથી આવી મળ્યો હતો. જે આધારે તે આરોપીઓની તપાસ કરી ગણતરીના દિવસોમાં લુંટ કરનાર ગુન્હામાં સંડોવાયેલ તથા મદદગારી કરનાર આરોપીઓને ઝડપી પાડી લુંટમાં ગયેલ રોકડ મુદ્દામાલ તથા ઉપયોગમાં લીધેલ વાહનો પકડી પાડી ગંભીર અનડીટેક્ટ લુંટના ગુનાનો ભેદ ઉકેલી લીધો છે.
ઝડપાયેલ આરોપીઓ:
(1) સુખદેવ રામસંગ કોલી ઉ.વ.22
(2) કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળક ઉ.વ.17
(3) નિતિન ખોડાભાઈ કોલી ઉ.વ 27
(4) ભારૂ વાલાભાઈ કોલી ઉ.વ.50
(5) અલ્તાફ ગફુરભાઈ ચૌહાણ ઉ.વ 26
(6) વિશન દેવજીભાઈ મેરીયા (અનુ.જાતી) ઉ.વ 28
આટલો મુદ્દામાલ કબ્જે કરાયો : પોલીસે આરોપીઓના કબ્જામાંથી રોકડ રૂપિયા-11,03,210, લુંટના ગુનાકામે વપરાયેલ 2 વાહનો જેમાં એકટીવા ગ્રે કલર કિંમત 30,000 અને એચ.એફ. ડીલક્ષ કિંમત 30,000 તેમજ 10,000ની કિંમતના 4 મોબાઈલ ફોન કુલ 40,000 કુલ મળીને 12,03,210ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આરોપીઓનો ગુનાહિત ભૂતકાળ
(1) સુખદેવ રામસંગ કોલી વિરૂધ્ધ અગાઉ મારામારી, ખૂન વિગેરે અલગ-અલગ કુલે-4 ગુનાઓ દાખલ થયેલ છે.
(2) ભારૂ વાલા કોલી વિરૂધ્ધ અગાઉ પ્રોહીબીશન તથા મારામારીના અલગ-અલગ કુલે-03 ગુનાઓ દાખલ થયેલ છે.
(3) અલ્તાફ ગફુરભાઈ ચૌહાણ વિરૂધ્ધ અગાઉ ચોરીનો એક ગુનો દાખલ થયેલ છે.