કચ્છ: ભુજના માધાપર પાસે ગઈ કાલે સાંજે થયેલ નળ વાળા સર્કલ પાસે પશ્ચિમ કચ્છ SOG અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશનમાં કારમાં ડ્રગ્સનો જથ્થો લઈને ભાગવાનો પ્રયત્ન કરી રહેલા 5 લોકોને ઝડપી પડાયા હતા જેનું FSLની તપાસમાં હેરોઇનનો જથ્થો બહાર આવ્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2.10 કરોડ જેટલી છે.પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ધરી છે.
આરોપીઓને પકડવા 4 રાઉન્ડ ફાયરિંગ: પશ્ચિમ કચ્છ એસપી ડૉ. કરણરાજ વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે પાંચેય આરોપીઓ પંજાબના છે અને 10મી જુલાઈએ તેઓ ત્યાંથી સફેદ કલરની બ્રેઝા કારથી નીકળ્યા હતા. 11મી તરીખે રાત્રે માધાપરના ગેસ્ટ હાઉસમાં ચેકઇન કર્યું હતું ત્યારબાદ 12મી તારીખે બાતમીના આધારે સ્પેશિયલ ગ્રુપ ઓફ ઓપરેશન અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે તેમને રોકતાં કાર ભગાવવામાં આવી હતી. જેમને રોકવા માટે પ્રયત્નના ભાગરૂપે કારના ટાયર પર 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ટાયર પંચર થઈ જતાં ગાડી રોકાઈ ગઈ હતી.
"કારમાં બેઠેલા 3 લોકોને પોલીસની ટીમ દ્વારા તાત્કાલિક ઝડપી લેવામાં આવ્યા હતા જ્યારે બાકીના 2 આરોપીઓ ફરાર થઈ જતાં તેમને પણ પોલીસે દોઢથી બે કિલોમીટર પીછો કરીને ઝડપી પાડયા હતા.આ તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી.જે દરમિયાન કારનાડેશ બોર્ડમાં સ્ટેરીંગના નીચેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.આ ડ્રગ્સના જથ્થાને FSL ની ટીમ દ્વારા ચકાસવામાં આવી હતી.જે દરમિયાન આ જથ્થો શુદ્ધ હેરોઇન હોવાનું સામે આવ્યું હતું.જેનું વજન 420 ગ્રામ જેટલું હતું અને આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2.10 કરોડ જેટલી આંકવામાં આવી છે." -ડૉ. કરણરાજ વાઘેલા, એસપી, પશ્ચિમ કચ્છ
ગુનાહિત ઇતિહાસ: પોલીસે શરૂ કરેલી વધુ પૂછપરછમાં બહાર આવ્યું હતું કે તેઓએ પંજાબના તરનતારન જિલ્લાના ગેંગસ્ટર કુલદીપસિંઘ અને પાસેથી આ ડ્રગ્સનો જથ્થો મેળવ્યો હતો. ત્યારબાદ દિલ્હીથી ભુજ આવવા મટે નીકળ્યા હતા. આ પાંચ આરોપીઓ પૈકી બે આરોપીઓનો ચોરી, લૂંટફાટ, તેમજ આર્મ્સ એકટ હેઠળ ગુનાહિત ઇતિહાસ છે.
એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાર્યવાહી: હાલમાં તમામ આરોપીઓ વિરૂદ્ધ માધાપર પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી હરપ્રિતસિંઘ જાટે નાસતો-ફરતો આરોપી કુલદીપસિંધ જી. તરનતારન, પંજાબ પાસેથી નાર્કોટિકસ હેરોઇનનો જથ્થો ખરીદ્યો હતો.ત્યારે ભુજમાં આ જથ્થો કોને ડિલિવર કરવાનો હતો કઈ જગ્યાએ કરવાનો હતો તે તપાસ આગામી સમયમાં કરવામાં આવશે.