5-ગાંધીધામ વિધાનસભા મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી એસ.એમ.કાથડ, અંજાર પ્રાંત અધિકારી ડો. વિમલ જોષી, ગાંધીધામના મામલતદાર સી.પી.હિરવાણીયા, રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ સમગ્ર ભારતમાં ફેલાય તે હેતુથી કામાખ્યા એક્સપ્રેસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે તંત્ર દ્વારા EVM/VVPAT દ્વારા મતદાન અંગેનું નિદર્શન તેમજ દિવ્યાંગ મતદારોએ મતદાન કરવાની પ્રેરણા પૂરી પાડી હતી. આદર્શ કન્યા વિદ્યાલય લીલાશાનગર ગાંધીધામની બાળાઓ દ્વારા મતદાન જાગૃતિને લગતા સુત્રોચ્ચાર સાથે પ્રવાસીઓને મતદાન જાગૃતિ અંગેની ફ્લેગ આપી બેઝ લગાડવામાં આવ્યાં હતા. કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ દ્વારા મતદારોને મતદાન માટે પ્રેરિત કરતો કચ્છી ગરબો અને મતદાનનું મહત્વ સમજાવતાં હિન્દી ગીત-ડાન્સ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
ટ્રેનના પ્રવાસીઓ દ્વારા પણ મતદાન જાગૃતિની ફ્લેગ ફરકાવી મતદાન જાગૃતિ કાર્યક્રમને સમર્થન આપવામાં આવ્યું હતું. કુલ 4 ટ્રેનો ઉપર ‘મતદાર જાગૃતિ’ના પોસ્ટર લગાવી આવી ટ્રેનોને પ્રસ્થાનના સ્થળેથી ફ્લેગ ઓફ કરવાનું નક્કી કરાયું છે.