કચ્છઃ જિલ્લા પોલીસની સત્તાવાર વિગતો મુજબ 4 આરોપીઓમાં રફીક મામદ હજામ, અબ્બાસ દાઉદ પઢીયાર, અરબાઝ ઈસ્માઈલ સુમરા અને એક 17 વર્ષિય કિશોરનો સમાવેશ થયો છે. 29મી જાન્યુઆરીના રોજ બપોરે 1 વાગ્યાના અરસામાં ચારેય જણ એક વાડીની ઓરડી પર ચઢીને વાયુદળના પ્રતિબંધિત આંતરિક વિસ્તાર અને એરોસ્ટેટ (રડાર)ની ફોટોગ્રાફી કરતાં હતા, ત્યારે તેમને એરફોર્સ દ્વારા ઝડપી લેવાયા હતા. એરફૉર્સના વૉચ ટાવર પર તૈનાત જવાનના ધ્યાને આ બાબત આવી હતી.
એરફોર્સ સત્તાવાળાઓએ સ્થળ પર ધસી જઈને ચારેયને બે કેમેરા અને 4 મોબાઈલ ફોન સાથે દબોચી લઈ નલિયા પોલીસના હવાલે કરી દીધા હતાં. પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપે તપાસ હાથ ધરી હતી. પ્રતિબંધિત વિસ્તારના ફોટો પાડી દેશની સુરક્ષા જોખમાય તેમજ યુદ્ધના સમયે જો આ માહિતી દુશ્મન દેશને પહોંચાડાવામા આવે તો સુરક્ષા જોખમાય તેવા ફોટો પાડવાનું-એકત્ર કરવાનું ચારેય જણે ષડયંત્ર રચ્યું હતું. વાયુદળના અધિકારીએ ચારેય સામે ઓફિસીઅલ સિક્રેટ એક્ટ, 1923ની કલમ 3 અને 9, IPC- 120-બી અને 123 હેઠળ ફરિયાદ નોંધી છે.