કચ્છઃ કોરોના મહામારી વચ્ચે જિલ્લામાં લોકડાઉનને કારણે ફસાયેલા પરપ્રાંતિયોને વહીવટીતંત્ર દ્વારા બસ અને ટ્રેન માટફતે વતન પહોચાડ્યા હતા, અત્યાર સુધીમાં 35 હજારથી વધુ શ્રમિકો પોતાના ઘરે પહોચ્યા છે. જિલ્લામાં બિહાર, ઉત્તરપ્રદેશ, ઓરિસ્સા, ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ, અસમ, પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળના શ્રમિકો અટાવાયા હતા.
લોકડાઉનમાં ઔદ્યોગિક હબ ગણાતા જિલ્લામાં રોજીરોટી મેળવતા પરપ્રાંતિય શ્રમિકોને વતનની યાદ આવી હતી. કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા સાવચેતી અને સલામતીના ભાગરૂપે લગાવેલા લોકડાઉનમાં જિલ્લામાં દેશના અનેક રાજ્યના લોકો અટવાયા હતા. જિલ્લાના ગાંધીધામ, રાપર, નખત્રાણા, ભુજ, ભચાઉ, મુન્દ્રા, માંડવી વગેરે શહેરોમાં હજારો લોકો રોજીરોટી કમાઇ રહયા છે. આ પરપ્રાંતિય શ્રમિકોને માદરે વતન પહોંચાડવા કેન્દ્ર અને રાજય સરકારના સહયોગથી જિલ્લા વહીવટી તંત્રના ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા, આરોગ્ય તંત્ર અને પોલીસ કર્મી તેમજ મહેસુલી શાખના કર્મીઓ અને ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો પણ સક્રિય થયા હતા. હજારો શ્રમિકો અને અટવાયેલા પરપ્રાંતિયોની આરોગ્ય ચકાસણી પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ તેમજ ફૂટપેકેટ અને પાણી-ભોજનની વ્યવસ્થા કરાઇ હતી. તેમજ ખાનગી અને સ્વૈચ્છિક સંગઠનો, સંસ્થાઓ દ્વારા માસ્ક, પાણી, ફૂટપેકેટ, અનાજ વિતરણ, શેલ્ટર અને રીલીફ કેમ્પોમાં તેમને આશરો આપવામાં આવ્યો હતો.
ભારત સરકારના ગૃહ મંત્રાલય અને ગુજરાત સરકારની કોરોના વાઇરસની માર્ગદર્શિકા મુજબ લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી, ત્યારે બસો અને શ્રમિકો સ્પેશ્યલ ટ્રેનો દ્વારા પરપ્રાંતિયોને વતન વાપસીનું કામ તંત્રે આરંભ કર્યુ હતું. બસ દ્વારા માસ મુવમેન્ટમાં જિલ્લામાં 13 રાજયોના 4961 લોકોને 182 બસો દ્વારા વતન પહોંચાડ્યા હતા. જેમાં ઝારખંડમાં 13 બસો દ્વારા 394 પ્રવાસીઓ, ઉતરાખંડમાં 9 બસો દ્વારા 279 લોકો, મધ્યપ્રદેશમાં 61 બસો દ્વારા 1712 લોકો, મહારાષ્ટ્રમાં 35 બસો દ્વારા 789 લોકોને, છત્તીસગઢમાં 14 બસોથી 430 લોકોને, 1 બસથી પંજાબમાં 25 લોકોને તેમજ 3 બસોને આસામ મોકલી 73 જણાને વતન પહોંચાડયા. જ્યારે બિહારમાં 15 બસો દ્વારા 413 પ્રવાસીઓને, રાજસ્થાનમાં 3 બસોથી 78 પ્રવાસીઓ તેમજ 4 બસોથી હરિયાણાના 84 લોકોને રવાના કરાયા હતા. જયારે પશ્ચિમ બંગાળમાં 13 બસો દ્વારા 368, ઉત્તરપ્રદેશમાં 4 બસો દ્વારા 114 શ્રમિકોને મોકલવામાં આવ્યા. ઓરિસ્સામાં 7 બસોથી 202 લોકોની વતન વાપસી કરવામાં આવી છે.
શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દ્વારા ગાંધીધામ, ભુજ, ભચાઉ વગેરે શહેરોમાંથી કુલ 20 ટ્રેનો દ્વારા 30,571 શ્રમિકોની વતનવાપસી કરવામાં આવી છે. કુલ પાંચ રાજયોમાં 7 ટ્રેનો દ્વારા ઉતરપ્રદેશમાં 10257 લોકોને, બિહારમાં 8 ટ્રેનો દ્વારા 12569 લોકોને તેમજ ૧ ટ્રેન દ્વારા ઓરિસ્સામાં 1545 લોકોને, 1 ટ્રેન દ્વારા ઝારખંડ 1586 તેમજ 3 ટ્રેનો મધ્યપ્રદેશની કુલ 4614 લોકોને લઇ વતન પહોંચી હતી. બસ કે ટ્રેન દ્વારા વતન લોકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ આરોગ્ય ચકાસણી, તબીબી પ્રમાણપત્ર, પાસ અને પરવાનગી પત્ર ફાળવવામાં આવ્યા હતા. જેથી કોરેન્ટાઇન એરિયા કે અન્ય ઝોનમાં પ્રવેશવામાં પ્રવાસીઓને તકલીફ ના પડે.