કચ્છ: દિવસેને દિવસે ઇલેક્ટ્રિક વાહનોમાં વધારો જોવા મળી રહ્યો છે. કચ્છ જિલ્લામાં પણ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ અગાઉની સરખામણીએ પ્રમાણસર વધી રહ્યું છે. કચ્છ જિલ્લામાં પણ ઈલેક્ટ્રિક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવા માટે આર્થિક સહાય પેટે સબસીડી આપવામાં આવી રહી છે. ઇલેક્ટ્રિક વાહનો માટે સરકાર દ્વારા અપાતી આર્થિક સહાયને કારણે જ વધુને વધુ લોકો ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી કરી રહ્યા છે.
રજિસ્ટ્રેશન માટેના નિયમો: ઈલેક્ટ્રિક વાહનોના રજીસ્ટ્રેશન માટે જુદા જુદા નિયમો હોય છે જે અંગે માહિતી આપતા ભુજ આરટીઓ કચેરીના મુખ્ય અધિકારી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આરટીઓની પાસિંગ જ ઇલેક્ટ્રિક વાહનો હોય છે જેના નિયમોમાં બેટરી છે તે અડધો કલાકની કેપેસિટી 30 મિનિટનો 0.25 kw કરતા ઓછી હોય. જેનું મેક્સિમમ સ્પીડ 25 કરતા ઓછી હોય એટલે કે 25 km/h અને ત્રીજું તેનું બેટરી સિવાયનું ગાડીનું વજન 60 kg કરતા ઓછું હોય તો એને રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર રહેતી નથી. આ સિવાયના તમામ ઇલેક્ટ્રીક વાહનોને રજીસ્ટ્રેશન કરાવવું પડે છે.
'ટુ વ્હીલરમાં મેક્સિમમ 20,000 સુધીની સબસીડી મળે છે અને ફોર વ્હીલર માં મહતમ 1.5 લાખ રૂપિયાની સબસીડી મળે છે. સબસીડી બેટરી કેપેસિટી પર આધારિત હોય છે અને એના પર કિલો વોટ 10000 રૂપિયા મળે છે.જે લોકોની સબસીડી બાકી છે, તેનું ચુકવણું શરૂ કરી દેવામાં આવ્યું છે અને આવનારા દિવસોમાં લાભાર્થીઓના ખાતામાં સબસીડીની રકમ જમા થઈ જશે.' -પ્રદીપસિંહ વાઘેલા, મુખ્ય અધિકારી, ભુજ આરટીઓ કચેરી
કેટલી મળે છે સબસીડી?: પ્રદુષણ ઘટાડવા અને ઈંધણનો વપરાશ ઓછો થાય તે માટેના ઈલેક્ટ્રિક વાહનો પર જ વધુ ભાર મૂકવો પડશે તેવું સરકાર દ્વારા વારંવાર જણાવવામાં આવે છે. ટુ વ્હીલર હાઈ સ્પીડ ઈલેક્ટ્રિક વાહનની ખરીદી પર સરકાર 20,000 સુધીની સબસીડી લાભાર્થીઓને આપે છે. જયારેે પાસીંગ વગરના ટુ વ્હીલર વાહનો પર 12,000 રૂપિયાની સબસીડીનો લાભ આપવામાં આવે છે.
'હાલમાં ઇવી વાહનોનું ચલણ દિવસેને દિવસે વધી રહ્યું છે જેના જુદાં જુદાં કારણો છે. એક તો આ વાહનોની સ્પીડ ઓછી હોય છે તેથી વાલીઓ આ વાહનો તેમના બાળકોને આપી શકે છે. ઓછી સ્પીડ હોવાને કારણે એક રીતે રિસ્ક ફેક્ટર ઘટતું જાય છે. પ્રદૂષણમુક્ત વાહનો તમામ આરટીઓ રજીસ્ટ્રેશન વિનાની ગાડીઓ પણ આવે છે જેમાં સ્પીડ ખૂબ ઓછી હોય છે.' -પ્રકાશ ગોસ્વામી, ઈ બાઇકના ડીલર
કીલોમીટર દીઠ આવતો ખર્ચ: બેટરી કેપીસિટી અનુસાર આ તમામ વાહનોનો કીલોમીટર દીઠ ખર્ચ જુદો જુદો હોય છે. 60 વોલ્ટ 24 એમ્પિયરની બેટરીમાં 55થી 60 કિલોમીટરની એવરેજ હોય છે. જેમાં ફુલ ચાર્જિંગ પાછળ 2 યુનિટ ખર્ચ થતાં હોય છે જેથી 16 પૈસા જેટલો ખર્ચ પ્રતિ કિલોમીટર આવે છે. બેટરીના વોલ્ટજ આધારે એવરેજ મળતું હોય છે. અન્ય બેટરી કે જે 60 વોલ્ટ 31 એમ્પિયરની આવે છે જેમાં 90 કિલોમીટર સુધી ગાડી ચાલે છે તેમાં ચાર્જિંગમાં 3- 3.5 યુનિટ ખર્ચ થાય છે તો પ્રતિ કીલોમીટર 20 પૈસાનો ખર્ચ લાગે છે.જેથી પેટ્રોલ ગાડીની સરખામણીએ ખૂબ સસ્તા ભાવે આ ગાડી પડે છે.
મેજર ઇવી ચાર્જરનો અભાવ: હાલમાં કચ્છની અંદર ક્યાંય પણ પબ્લિક પ્લેસ પર મેજર ઇવી ચાર્જર ઉપલબ્ધ નથી. લોકો ઘરે ઘરે ચાર્જ કરી રહ્યા છે. જોય ઈ-બાઇકના ડીલર પ્રકાશભાઈ દ્વારા શો-રૂમની બહાર જાહેર જનતા માટે ચાર્જર ઉભુ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં જેમ ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં વધારો થશે તેમ જાહેર સ્થળો પર પણ ચાર્જિંગ પોઇન્ટ ઊભા કરવા અનિવાર્ય બનશે.
'વાહન માત્ર ત્રણથી ચાર યુનિટમાં ચાર્જ થઇ જાય છે તેથી પેટ્રોલ-ડીઝલ માટે ઉછી રકમ ભોગવવી નથી પડતી.વાહન 20થી 30 રૂપિયામાં ચાર્જ થઈ જાય છે અને તે ઓછામાં ઓછા 80 કિલોમીટર ચાલે છે. સબસિડીની અરજી મંજૂર થયાના 15 દિવસોમાં સબસીડી મળી જાય છે. અમુકને 2થી 3 માં જેટલો સમય લાગે છે. સરકાર એક સાથે જથ્થામાં સબસીડી મંજૂર કરે છે.' -શિવમ ઠકકર, વાહન ચાલક
આરટીઓમાં રજીસ્ટર થયેલ ઇવી વાહનો: કચ્છ આરટીઓ ખાતે નોંધણી થયેલ વાહનોની વાત કરવામાં આવે તો 1 જૂન 2022થી 31 મે 2022 સુધીમાં કુલ 557 વાહનો નોંધાયા છે. 1 જૂન 2022થી 31 મે 2022 સુધીમાં કુલ 2368 વાહનો મળી કુલ 2925 વાહનો રજીસ્ટર્ડ થયેલ છે. કહી શકાય કે જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે તેમ તેમ ઇલેક્ટ્રિક વાહનોની માંગ અને વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે.