કચ્છ: સરહદી કચ્છ જેટલું કોરોના મુકત હતું તેટલું હવે કોરોનાયુકત બનવા તરફ આગળ વધી રહયુ છે. આજે એક સાથે 21 પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
આ સાથે કચ્છ રેડઝોનમાં પણ આવી ગયું છે અત્યાર સુધી સેફઝોનમાં સંપુર્ણ કામગીરી સાથે સફળ સંકલન દેખાડનાર તંત્રએ માત્ર 21 કેસ પોઝિટિવ હોવાનું સ્વીકારવા સિવાય અન્ય કોઈ વિગતો સતાવાર રીતે સ્પષ્ટ કરી શકયું નથી. આમ હવે અત્યાર સુધી સેફ ઝોનમાં રમી રહેલા તંત્ર સામે રેડઝોનમાં રમવાની આકરી પરીક્ષાનો સમય આવી ગયો છે.
કચ્છ જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશીએ જણાવ્યું હતું કે આજે 21 કેસ પોઝિટિવ હોવાની માહિતી મળી રહી છે.
આ તરફ બિન સત્તાવાર માહિતી સોશિયલ મીડિયા પર વહેતી થઈ હતી જે મુજબ ગાંધીધામમાં 01, ભચાઉમાં 10, માંડવીમાં 03, મુંદરામાં 04 , નખત્રાણામાં 01 અને રાપરમાં 02 કેસો મળીને કુલ 21 કેસ નોંધાયા છે. જોકે આ બાબત તે તંત્રએ સત્તાવાર સ્પષ્ટ કરી નથી.
આજે પોઝિટિવ આવેલા મોટાભાગના દર્દીઓ રેડઝોન અને ખાસ તો મુંબઈથી કચ્છ આવ્યા હોવાનું જણાવાઈ રહયું છે. આમ કચ્છમાં જે ચિંતા દર્શાવાઈ રહી હતી તે સત્ય ઠરી રહી છે. અને 52 કેસ સ્થાનિક પરીક્ષણ સાથે અને બે કેસ બહારના પોઝિટિવ સાથે કચ્છમાં કુલ 54 કેસ નોંધાયા છે.
અત્યાર સુધી કચ્છમાં 55 હજારથી વધુ લોકો રેડઝોનમાંથી કચ્છ આવી ચુકયા છે. ત્યારે જાગૃતો એવો ટોણો મારી રહયા છે કે શરૂઆતથી જ સરકારી કવોરન્ટાઈનની જરૂરિયાતની અનદેખી કરનાર તંત્રની હવે આગામી દિવસોમાં રેડઝોનમાં આકરી પરીક્ષા થશે તે નકકી છે.