- કચ્છ જિલ્લામાં 21 લાભાર્થીઓને વિદેશ અભ્યાસ લોન યોજનાનો લાભ અપાયો
- વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત લાભાર્થીઓને 2.14 કરોડ અપાયા
- યોજનાનો લાભ લેવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીએ આપી માહિતી
કચ્છ: જિલ્લામાં કુલ 21 લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. 21 વિદ્યાર્થીઓમાંથી ભુજના 7, અંજારના 5, માંડવીના 1, લખપતના 1, અબડાસાના 1, ભચાઉના 2 અને ગાંધીધામના 4 થઈને લાભાર્થીઓને વિદેશ અભ્યાસ માટે લોન આપવામાં આવી છે. જેમાં 2.50 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. આ 21 લાભાર્થીઓમાંથી મેડીકલ માટે 13, બિઝનેસ મેનેજમેન્ટ માટે 3, બાયોટેક્નોલોજી માઈક્રોબાયોલોજી માટે 1, ડીપ્લોમા માટે 3, જીયો ઇન્ફોર્મેટીક માટે 1 લાભાર્થીઓને વિદેશ અભ્યાસ લોન યોજના સહાય આપવામાં આવી છે.
લાભ લેવા www.esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરવું
આ માટે લાભાર્થી એ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે 15 લાખની લૉન વાર્ષિક 4 ટકા લેખે સાદુ વ્યાજ તેમજ નિયમિત લોન/વ્યાજ ભરવામાં કસુરવાર થયેથી 2.5 ટકા લેખે દંડનીય વ્યાજ ભરવાનું રહેશે. www.esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે.
લાભાર્થી બનવા જરૂરી લાયકાતો:
સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે ધોરણ-12 પછી ડિપ્લોમા/સ્નાતક અથવા સમકક્ષ અભ્યાસક્રમો માટે ધોરણ-12 માં ઓછામાં ઓછા 65 ટકા કે તેથી વધુ ગુણ હોવા જરૂરી છે. વધુ પછાત, અતિ પછાત માટે 55 ટકા તથા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે સ્નાતક કક્ષા પછી અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માટે સ્નાતક કક્ષામાં ઓછામાં ઓછા 60 ટકા કે તેથી વધુ ગુણ હોવા જરૂરી છે, વધુ પછાત, અતિ પછાત માટે 50 ટકા ગુણ હોવા જરૂરી છે. આર્થિક પછાત વર્ગ માટે સ્નાતક કક્ષા પછી અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માટે સ્નાતક કક્ષામાં ઓછામાં ઓછા 60 ટકા કે તેથી વધુ ગુણ હોવા જરૂરી હોય છે.
આ પણ વાંચો: NEET-SS Exam Pattern : સુપ્રીમ કોર્ટે કહ્યું - "અમલદાર અસંવેદનશીલ, યુવા ડોક્ટર્સ ફૂટબોલ નથી"
લાભ લેવા જરૂરી આવક મર્યાદાઓ:
વિદ્યાર્થીએ અરજી વિદેશ જતા પહેલા ઓનલાઈન અને હાર્ડ કોપી સબમીટ કરવાની રહેશે. લોન મંજૂર થયેથી વિદ્યાર્થીના વાલીની લોનની રકમ કરતા વધુ રકમની મિલકત સરકાર પક્ષે રજિસ્ટર્ડ મોર્ગેજ કરવાની રહેશે. જો વિદ્યાર્થીના વાલીની મિલકત મોર્ગેજ થઇ શકે તેમ ન હોય તો રજૂ કરેલા જામીનદારો પૈકી કોઈ એક જામીનદારની મિલકત સરકાર પક્ષે રજિસ્ટર્ડ મોર્ગેજ કરવાની રહેશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ SEBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 10 લાખથી ઓછી હોવી જોઈએ. આર્થિક રીતે પછાત વર્ગ EBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 4.5 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
આ પણ વાંચો: 41 વર્ષમાં પ્રથમ વખત ભારતીય વિદેશ પ્રધાન મેક્સિકોની મુલાકાતે, પોતાના સમકક્ષ સાથે કરી વાતચીત
વિદેશ અભ્યાસ લોન યોજનાનો મહત્તમ લાભ લેવા અપીલ કરાઈ
અરજી કરનારે નોંધ લેવી કે લોનની વસુલાત અભ્યાસ પૂર્ણ થયા બાદ એક વર્ષ પછી મહત્તમ 10 વર્ષમાં અને વ્યાજની વસુલાત 2 વર્ષમાં લોનની મૂળ રકમની ભરપાઈ થયા બાદ કરવાની રહેશે. વિદેશ અભ્યાસ લોન યોજનાનો મહત્તમ લાભ લેવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જે.એ.બારોટે જણાવ્યું હતું.