કચ્છ: જુદી જુદી રાષ્ટ્રીયકૃત, સહકારી, ખાનગી બેંકોમાં આજથી 2000ની નોટ બદલવાનું શરૂ થઈ ગયું છે. નોટ બંધી જેવી કોઈ અસર જોવા મળી રહી નથી. કોઇ પણ બેંકો કે એટીએમ પર લાઈનો જોવા નથી મળી રહી પરંતુ અમુક બેંકોમાં 2 હજારની નોટ બદલવા માટે ફોર્મ ભરવું પડી રહ્યું છે. સરકારી બેંકમાં કોઈ ફોર્મ ભરવાની જરૂર ન હોવાનું સામે આવ્યું છે. ફોર્મ ભરીને તેની સાથે આધાર કાર્ડ દર્શાવ્યા બાદ જ 2000ની નોટ બદલી કરી આપવામાં આવી રહ્યું છે.
નોટની બદલી માટે પ્રુફ અને ફોર્મ: ભુજમાં બરોડા ગ્રામીણ બેંકમાં લોકો જ્યારે નોટ જમા કરાવવા ગયા હતા ત્યારે તેમની પાસેથી એક ફોર્મ ભરવામાં આવ્યું હતું. ઉપરાંત બેંકની અંદર 2000 ની નોટ જમા કરાવવા આવનાર વ્યક્તિના આઇડેન્ટિટી કાર્ડ પણ લેવામાં આવ્યા હતા. ગ્રાહકોએ આ બાબતની ટીકા કરી હતી અને અંતે ઔપચારિકતા નિભાવિને ફોર્મ ભરી 2000 ની નોટ બદલાવી હતી. લોકોમાં એ પ્રશ્ન પણ ઉદ્ભવ્યો છે કે શા માટે નોટની બદલી માટે પ્રુફ અને ફોર્મ ભરવામાં આવી રહ્યું છે તે સમજાતું નથી.
અફરાતફરીનો માહોલ ન સર્જાયો: બીજી બાજુ ઍક્સિસ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા, એચડીએફસી બેન્ક, કોટક મહિન્દ્રા બેંક વગેરે જેવી બેંકોમાં કોઈ પણ જાતના ફોર્મ ભરાવ્યા વગર 2000 રૂપિયાની નોટની બદલી કરી આપવામાં આવે છે. બેંકોમાં નોટ લેવાની શરૂઆત કરવામાં આવતા અન્ય કોઈ પણ પ્રકારની અફરાતફરીનો માહોલ દેખાયો ન હતો. ખૂબ જ ઓછી સંખ્યામાં લોકો બેંક ઉપર નોટ એક્સચેન્જ કરવા માટે જોવા મળી રહ્યા છે. ઉપરાંત કેસ કાઉન્ટર પર સામાન્ય દિવસોમાં જેટલા લોકો નાણાકીય વ્યવહાર માટે ઊભા રહે છે એટલા જ લોકો બેંકમાં આજે જોવા મળી રહ્યા છે.
"આજથી બેંકમાં 2000ની નોટ બદલવાની પ્રોસેસ શરૂ થતાં અહીં બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં ખાતું હોય 2000 ની 10 નોટ બદલવા આવ્યા હતા પરંતુ અહીં જો નોટ બદલાવી હોય તો ફોર્મ ભરવું ફરજિયાત છે અને સાથે જ આધાર કાર્ડની કોપી આપવી જરૂરી છે. ત્યારબાદ જ નોટની બદલી કરી આપવામાં આવશે તેવું બેંક દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ઔપચારિકતા પૂર્ણ કર્યા બાદ જ નોટ બદલાવી આપવામાં આવે છે માટે ફોર્મ ભર્યા સિવાય કોઈ વિકલ્પ નથી" -મેહુલ મહેતા, સ્થાનિક
ઉપરથી ઓર્ડર આવતા ફોર્મ ભરાવ્યા: બેંકના મેનેજર કુણાલ મહેતા સાથે 2000 ની નોટની બદલી અંગે ફોર્મ ભરવાની બાબત અંગે વાતચીત કરતાં તેમને જણાવ્યું હતું કે,'2000ની નોટની બદલી કરવા માટે અમુક બેન્કો ફોર્મ ભરાવી રહી છે અમુક બેન્કો ફોર્મ ભર્યા વગર નોટો બદલી આપે છે. અહીં બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં નોટ બદલી માટે ફોર્મ ભરવું જરૂરી છે અને સાથે આધાર કાર્ડ પણ આપવું જરૂરી છે. આરબીઆઇ દ્વારા ફોર્મ અંગે કોઈ પરિપત્ર જાહેર નથી કરાયું તે બાબતે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે તેમને ઉપરથી ઓર્ડર આવેલ છે અને તેનું તેઓ પાલન કરી રહ્યા છે.'